અદાણી એન્ટરપ્રાઇઝના 2.5 બિલિયન ડોલરના એફપીઓને રદ કરવામાં આવ્યા બાદ ગુરુવાર, 2 ફેબ્રુઆરીએ પણ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ધોવાણ ચાલુ રહ્યું હતું. છેલ્લાં છ ટ્રેડિંગ સેશનમાં ગ્રૂપ કંપનીઓના માર્કેટકેપમાં આશરે 100 અબજ ડોલરનું અસાધારણ ધોવાણ થયું છે.
સ્કૂલ ડ્રોપઆઉટમાંથી બિલિયોનેર બનેલા ગૌતમ અદાણી માટે આ મોટો ફટકો છે, કારણ કે કોરોના મહામારી પછી તેમની સંપત્તિમાં કૂદકેને ભૂસકે વધારો થયો હતો. અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપનીના ચોંકાવનારી રીપોર્ટ પછી સમગ્ર અદાણી સામ્રાજ્ય હચમચી ઉઠ્યું છે. વિરોધ પક્ષોએ પણ ગ્રૂપના કથિત ગોટાળાની તપાસ કરવાની ઉગ્ર માગણી કરી છે.
ગુરુવારે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 20 ટકા ધોવાણ થયું હતું. ગ્રૂપની બીજી કંપનીઓમાં પણ મંદીની સર્કિટો લાગી હતી. હિન્ડનબર્ગનો રીપોર્ટ 24 જાન્યુઆરીએ આવ્યો હતો. આ પછીથી ગ્રૂપના બજારમૂલ્યમાં આશરે 50 ટકા ધોવાણ થયું છે. અદાણી એન્ટરપ્રાઇઝે 24 અબજ ડોલર ગુમાવ્યો છે.
60 વર્ષીય અદાણી હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ રહ્યાં નથી. ફોર્બ્સની યાદી મુજબ વૈશ્વિક ધનિકોમાં તેઓ 16માં ક્રમે આવી ગયા છે, જે ગયા સપ્તાહે ત્રીજા ક્રમે હતા.
ભારતની રિઝર્વ બેન્કે અદાણી ગ્રૂપને આપેલી લોન અંગે બેન્કો પાસેથી રીપોર્ટ માંગ્યો છે. છે. માત્ર એક અઠવાડિયાની અંદર જ આ રિપોર્ટના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં 100 અબજ ડોલરનો જબરજસ્ત ઘટાડો થયો છે. જોકે, અદાણીને થઈ રહેલું નુક્સાન આટલેથી અટક્યું નથી, અને ક્યાં સુધી તે ચાલુ રહેશે તે પણ કોઈને ખબર નથી.
હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો છે ત્યારથી છેલ્લા છ ટ્રેડિંગ સેશન્સમાં અદાણી ગ્રુપની 10 કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન 43 ટકા ધોવાઈ ગયું છે. જેની વેલ્યૂ 100 બિલિયન ડોલર થાય છે, અને જો તેને રુપિયામાં કન્વર્ટ કરો તો આ આંકડો 8.3 લાખ કરોડને આંબે છે. હિન્ડેનબર્ગનો રિપોર્ટ આવ્યો તે પહેલા અદાણીના સ્ટોક્સની વેલ્યૂ 19.2 લાખ કરોડ હતી, જે ગુરુવારે સવારે ઘટીને 10.89 લાખ કરોડ થઈ ગઈ હતી.
અદાણી ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓમાં થયેલા ધોવાણ પર નજર કરીએ તો અદાણી એન્ટરપ્રાઈઝીસનો શેર પોતાના ઓલટાઈમ હાઈથી 49 ટકા જેટલો ગગડ્યો છે. જ્યારે અદાણી ગ્રીનમાં ઓલટાઈમ હાઈની સરખામણીએ 62 ટકા જેટલું ભયાનક ગાબડું પડ્યું છે. અદાણી પોર્ટ્સ એન્ડ SEZનો શેર ઓલટાઈમ હાઈથી 50 ટકા જેટલો નીચે સરક્યો છે તો અદાણી પાવર 51 ટકા નીચે આવી ચૂક્યો છે. અદાણી હાલમાં જ જેની ખરીદી કરી ચર્ચામાં આવ્યા હતા તેવી ન્યૂઝ ચેનલ NDTVનો શેર પણ ઓલટાઈમ હાઈથી 59 ટકા નીચે આવી ગયો છે.
ક્રેડિટ સ્વીસે તેના ખાનગી બેન્કિંગ ક્લાયન્ટ પાસેથી માર્જિનની જામીનગીરી તરીકે અદાણી ગ્રૂપ કંપનીઓના બોન્ડ સ્વીકારવાનું બંધ કર્યું હતું. બીજી તરફ સિટીગ્રૂપના વેલ્થ યુનિટે અદાણી ગ્રૂપની કંપનીઓના સિક્યોરિટી સામે તેના ક્લાયન્ટને માર્જિન લોન બંધ કરી હતી. બેન્કિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર આ હિલચાલને પગલે રિઝર્વ બેન્કે પગલાં લીધા હોવાનું માનવામાં આવે છે.