અમેરિકાની સરકારે જણાવ્યું છે કે શ્રીલંકામાં અદાણી ગ્રૂપના પોર્ટ પ્રોજેક્ટમાં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (DFC)ના $553 મિલિયનના રોકાણના સંદર્ભમાં બિલિયોનેર ગૌતમ અદાણી સામેના શોર્ટ સેલર હિન્ડનબર્ગ રીસર્ચના કોર્પોરેટ ફ્રોડના આક્ષેપો સુસંગત ન હતાં. DFC અમેરિકાની સરકારની એક ફાઇનાન્શિયલ એજન્સી છે. શ્રીલંકામાં અદાણીનો આ પોર્ટ પ્રોજેક્ટ એશિયામાં અમેરિકાની સરકારનું સમર્થન મળ્યું હોય તેવો એક મોટો અને પ્રખ્યાત પ્રોજેક્ટ છે.
અમેરિકાની આ એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું કે હિન્ડનબર્ગ રીસર્ચના રીપોર્ટને કેન્દ્રમાં રાખીને અદાણી ગ્રૂપ સામે યોગ્ય તપાસ કરાઈ હતી. ડીએફસીએ તારણ કાઢ્યું હતું કે શ્રીલંકાના પ્રોજેક્ટનું સંચાલન કરતી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને હિન્ડબર્ગના આક્ષેપો લાગુ પડતાં નથી. યુએસ સરકાર નાણાકીય ગેરવર્તણૂક અથવા અન્ય અયોગ્ય વર્તણૂકને અજાણપણે સમર્થન ન કરે તેની ખાતરી કરવા માટે યુએસ એજન્સી કંપની પર દેખરેખ રાખવાનું ચાલુ રાખશે.
હિંડનબર્ગના આરોપોને પગલે અદાણી જૂથે DFCના રોકાણને વિશ્વાસના મત તરીકે ગણાવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં હિન્ડનબર્ગે અદાણી ગ્રૂપ સામે ગેરરીતિના ગંભીર આક્ષેપો કર્યો હતો. તેનાથી અદાણી ગ્રૂપના બજારમૂલ્યમાં આશરે 100 અબજ ડોલરનું ધોવાણ થયું હતું.