અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન રવિવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન ક્લિન્ટન સામાજિક કાર્યકર અને ગાંધીવાદી ઈલા ભટ્ટે સ્થાપેલા ‘સેલ્ફ એમ્પાવર્ડ વુમન એસોસિએશન’ના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગાંધીવાદી ઈલા ભટ્ટની આ સંસ્થા ‘સેવા’ તરીકે ઓળખાય છે. ઈલા ભટ્ટનું ગયા વર્ષે નવેમ્બરમાં નિધન થયું હતું.
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કુડા ગામ નજીક મીઠાના કામદારોને સંબોધતા હિલેરી ક્લિન્ટને સોમવારે ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે મહિલાઓ માટે $50 મિલિયનના ગ્લોબલ ક્લાઈમેટ રેઝિલિયન્સ ફંડની જાહેરાત કરી હતી. આ ફંડ મહિલાઓ અને સમુદાયોનું આબોહવા પરિવર્તન સામે લડવા માટે સશક્તિકરણ કરશે અને આજીવિકાના નવા સંસાધનો અને શિક્ષણ પ્રદાન કરવામાં મદદ કરશે,
ક્લિન્ટને કહ્યું હતું કે “આજે, અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન, SEWA (સ્વર્ગીય કાર્યકર્તા ઇલા ભટ્ટ દ્વારા સ્થપાયેલ સેલ્ફ એમ્પોઇડ વિમેન્સ એસોસિએશન) અને અન્ય સંસ્થાઓ સાથે મળીને ક્લિન્ટન ગ્લોબલ ઇનિશિયેટિવ વતી હું મહિલાઓ માટે 50 મિલિયન ડોલરના ગ્લોબલ ક્લાઇમેટ રેઝિલિયન્સ ફંડની જાહેરાત કરું છું.”
તેમણે કહ્યું હતું કે “મને લગભગ 30 વર્ષથી ઇલાબેન અને SEWA સાથે કામ કરવાનો વિશેષાધિકાર મળ્યો છે. પરંતુ અમે આગામી 50 વર્ષ વિશે વિચારી રહ્યા છીએ.”
રવિવારે, ક્લિન્ટને SEWAના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેના સ્થાપક અને પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા ઈલા ભટ્ટને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન, તેમણે કહ્યું હતું કે આબોહવા પરિવર્તનના કારણે ઊભી થતી ગરમી અનૌપચારિક ક્ષેત્રોમાં મહિલા કામદારો માટે એક વધારાનો પડકાર છે અને ગ્લોબલ ક્લાઇમેટ રેઝિલિયન્સ ફંડ આ પડકારનો સામનો કરવામાં મદદ કરશે.
હિલેરી ક્લિન્ટન અમદાવાદમાં ઇલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપી હતી રવિવારે શહેરમાં તેમની ઓફિસમાં સેવા સાથે જોડાયેલાના સભ્યો સાથે વાતચીત કરી હતી. હિલેરી ક્લિન્ટને સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી અને તેમની ગ્રામીણ પહેલ ‘સેવા’ ના ભાગરૂપે મીઠાના કામદારો સાથે પણ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, હિલેરી ક્લિન્ટને 2018માં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇલાબેન ભટ્ટના સેવાકાર્યની પ્રશંસા કરી હતી.