કર્ણાટકમાં હિજાબ વિવાદ ફરી વકરે તેવી શક્યતા છે. ઉપ્પીનંગડીની સરકારી કોલેજના મેનેજમેન્ટે હિજાબ માટે ધરણા કરનારી 23 વિદ્યાર્થિનીને સસ્પેન્ડ કરી છે. આ વિદ્યાર્થિનીએ ગયા સપ્તાહે વર્ગખંડમાં હિજાબ પહેરવાની માગણી સાથે ધરણા કર્યા હતા.
પુત્તુરના ભાજપના ધારાસભ્ય અને કોલેજ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન સંજીવ મતાન્દુરે મંગળવારે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા. તેથી તેમને સોમવારે સસ્પેન્ડ કરાયા હતા. સૂત્રોના જણાવ્યા અસાર આ યુવતીઓ ગયા સપ્તાહે દક્ષિણ કન્નાડા જિલ્લાના પુત્તુર તાલુકાની આ કોલેજમાં હિજાબ પહેરીને આવી હતી અને ધરણા કર્યા હતા. કોલેજ ડેવલપમેન્ટ કમિટીએ સોમવારની બેઠકમાં તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.
કર્ણાટક હાઇકોર્ટે આ વર્ષના માર્ચમાં હિજાબ કેસમાં આદેશ આપ્યો હોવા છતાં મુસ્લિમ વિદ્યાર્થીઓ હિજાબ પહેરવાની માગણી કરી રહ્યાં છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે હિજાબ મુસ્લિમ ધર્મની આવશ્યક પરંપરા નથી અને દરેકે શિક્ષણ સંસ્થાઓમાં યુનિફોર્મના નિયમોનું પાલન કરવાનું રહેશે. કર્ણાટક હાઇકોર્ટે રાજ્ય સરકારના આદેશને પણ માન્ય રાખ્યો હતો, જેમાં શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક પોશાક પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.