કર્ણાટક હાઈકોર્ટની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાના મુદ્દે ઊભા થયેલા વિવાદના કેસમાં મહત્ત્વના ચુકાદો આપતા મંગળવારે જણાવ્યું હતું કે હિજાબ ઈસ્લામનો અનિવાર્ય ભાગ નથી. આ આદેશ સાથે હાઇકોર્ટે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે. મુસ્લિમ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થાઓ હિજાબ પહેરવા સામેના સરકારના પ્રતિબંધની વિરુદ્ધમાં અરજી કરી હતી. હાઇ કોર્ટનો ચુકાદો આવવાનો હોવાથી રાજ્ય સરકારે રાજ્યમાં કેટલાંક તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ રાખી હતી અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું હતું કે હિજાબ ધાર્મિક પ્રવૃતિઓ માટે જરૂરી છે તેના કોઈ પુરાવા નથી. ઈસ્લામમાં પણ ધાર્મિક પ્રવૃતિઓ માટે હિજાબ જરૂરી હોવાનો ઉલ્લેખ નથી. કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર લાદવામાં આવેલ પ્રતિબંધને માન્ય રાખ્યો છે. હાઈકોટે શૈક્ષણિક સંસ્થાઓને યુનિફોર્મ અંગે નિર્ણય લેવાનો અધિકાર આપ્યો છે.
આ મુદ્દાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીન રાજ્ય સરકારે કર્ણાટકના જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી હતીદક્ષિણ કન્નડના ડેપ્યુટી કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કે.વી.એ જણાવ્યું કે મંગળવારે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટમાં કર્ણાટક સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે હિજાબ જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક સૂચનાઓને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ.
કર્ણાટકના ઉડુપીની એક કોલેજમાંથી હિજાબનો વિવાદ ઉભો થયો હતો. ગવર્નમેન્ટ પ્રી કોલેજમાં છોકરીઓને સ્કૂલમાં હિજાબ પહેરવાની છૂટ હતી પરંતુ ક્લાસની અંદર હિજાબ પર પ્રતિબંધ હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોલેજના છ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને ક્લાસરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેમને અટકાવવામાં આવ્યા હતા પરંતુ છોકરીઓ મક્કમ હતી. જે બાદ તે કોલેજની બહાર ધરણા પર બેસી ગઈ હતી અને ત્યારબાદ વિવાદ વધુ ગરમાયો હતો. કોલેજની અંદરનું આ પ્રદર્શન દેશના અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં ફેલાઈ ગયું હતું. હિન્દુ વિદ્યાર્થીઓએ ભગવો ખેચ પહેરીને સ્કૂલોમાં હિજાબનો વિરોધ કર્યો હતો. તેનાથી આ મુદ્દે હિન્દુ મુસ્લિમ મુદ્દો બની ગયો હતો.