કર્ણાટકમાં હિજાબ વિવાદના પડઘા દેશ-વિદેશમાં પડ્યા હતા તથા તેને ધાર્મિક અને રાજકીય રંગ પણ લાગ્યો હતો. પાકિસ્તાનને શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધને મુદ્દે ભારતની ટીકા કરી હતી. બીજી તરફ વોશિંગ્ટન પોસ્ટ અને અલ જઝીરા જેવા મીડિયાએ મુસ્લિમ યુવતીઓને શિક્ષણથી વંચિત રાખવાના મુદ્દે ભારતની ટીકા કરી હતી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કપડા પહેરવાના મહિલાના હકનું સમર્થન કર્યું હતું, જ્યારે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ડ્રેસ કોડના મુદ્દાને સાંપ્રદાયિક રંગની આપવાના કોંગ્રેસ અને અન્ય પક્ષોના પ્રયાસોની આકરી નિંદા કરી હતી. આ વિવાદમાં પાકિસ્તાન પણ કૂદી પડ્યું હતું અને તેના બે પ્રધાનોએ ભારતની ટીકા કરી હતી.
મંગળવારની સરખામણીમાં આજે કર્ણાટકની શિક્ષણ સંસ્થાઓમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધની મુસ્લિમ યુવતીઓની પિટિશન્સની સુનાવણી કરી રહેલા કર્ણાટક હાઇકોર્ટના સિંગલ જજે આ મુદ્દો હાઇકોર્ટના ચીફ જસ્ટિસને રિફર કર્યો હતો. સિંગલ જજે અભિપ્રાય આપ્યો હતો કે ચીફ જસ્ટિસ આ મુદ્દાની વિચારણા કરવા લાર્જર બેન્ચની રચના કરવાની વિચારણા કરી શકે છે. જસ્ટિસ ક્રિષ્ના એસ દિક્ષિતે અવલોકન કર્યું હતું કે આ મુદ્દો પર્સનલ લોના કેટલાંક પાસાંના સંદર્ભમાં બંધારણીય સવાલો ઊભા કરે છે.
કર્ણાટક સરકારે ત્રણ દિવસ માટે તમામ હાઇસ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો મંગળવારે આદેશ આપ્યા બાદ શિક્ષણ સંસ્થાઓમાં શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો. મોટાભાગની શિક્ષણ સંસ્થાઓમાં ઓનલાઇન એજ્યુકેશન ચાલુ થયું હતું. પ્રાથમિક શાળાઓ કોઇ વિરોધી દેખાવો વગર રાબેતા મુજબ ચાલી હતી.
રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં મુસ્લિમ યુવતીઓ દ્વારા હિજાબના વિરોધમાં હિન્દુ યુવકો દ્વારા ભગવા ખેંચ પહેરવાના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો હતો. હિજાબની તરફેણમાં મુસ્લિમ સંગઠનોએ દેખાવ કર્યો હતા અને કેટલાંક સ્થળોએ હિંસાનું રૂપ ધારણ કર્યું હતું.હાઇકોર્ટના આદેશ પહેલા કર્ણાટક કેબિનેટની બેઠક યોજાઈ હતી. તેમાં સરકારે વધુ કોઇ નિર્ણય કરતાં પહેલા હાઇકોર્ટના આદેશની રાહ જોવાનો નિર્ણય કર્યો હતો.
કર્ણાટકના ગૃહપ્રધાન એ જ્ઞાનેન્દ્ર અને મહેસૂલ પ્રધાન આર અશાકે હિજાબ વિવાદને વેગ આપવાનો કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો. જ્ઞાનેન્દ્રએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ હિજાબના મુદ્દે આગમાં ઘી હોમી રહ્યાં છે. જો તેઓ ભવિષ્યમાં આવું કરતા રહેશે તો કર્ણાટકના લોકો તેમને અરેબિયન સમુદ્રમાં ફેંકી દેશે. ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફંન્ટ ઓફ ઇન્ડિયાની વિદ્યાર્થી પાંખ કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયાએ આ વિવાદ માટે સંઘ પરિવારને જવાબદાર ગણાવ્યો હતો.
કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે શિક્ષણ સંસ્થાઓમાં યુનિફોર્મ અને શિસ્ત અંગેના નિર્ણયને કેટલાંક લોકો સાંપ્રદાયિક રંગ આપીને ભારતના છબી ખરડવા માગે છે. પાકિસ્તાનના પ્રધાનો શાહ મહેમૂદ કુરેશી અને ચૌધરી ફવાદ હુસૈને હિજાબના મુદ્દે ભારતની ટીકા કર્યા કરી હતી. પાકિસ્તાન સામે વળતો પ્રહાર કરતાં નકવીએ જણાવ્યું હતું કે લઘુમતીઓ માટે ગુના અને અત્યાચારનું જંગલ બનેલું પાકિસ્તાન ભારતની સહિષ્ણુતા અને ધર્મનિરપેક્ષાની સલાહ આપી રહ્યું છે.કોંગ્રેસ અને બીજા વિરોધ પક્ષો પર પ્રહાર કરતાં નકવીએ જણાવ્યું હતું કે ભારતની નિંદા કરતી બ્રિગેડને ફરીએકવાર પાકિસ્તાનનો સપોર્ટ મળ્યો છે.
ઓવૈસીએ હિજાબને હક ગણાવ્યો- મહારાષ્ટ્રમાં પહેલા હિજાબ પછી કિતાબના બેનર્સ
હિજાબના મુદ્દે ઉત્તરપ્રદેશમાં ચૂંટણીસભાને સંબોધન કરતાં AIMIMના વડા ઓવૈસીએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં હિજાબ પહેરવાના અધિકાર માટે લડી રહેલી યુવતીઓ સફળ થાય તેવી હું દુઆ કરુ છું. કર્ણાટકમાં બંધારણની હાંસી ઉડાવવામાં આવી રહી છે. હું આ મુદ્દે ભાજપ સરકારના નિર્ણયની આકરી નિંદા કરું છું. દરમિયાન મહારાષ્ટ્રના બિડ શહેરમાં AIMIMના કાર્યકર્તાઓ હિજાબને સમર્થનમાં બેનર્સ મૂક્યા હતા, જેમાં લખવામાં આવ્યું હતું કે પહેલા હિજાબ પછી કિતાબ. જોકે પોલીસની દરમિયાનગીરી બાદ આ બેનર્સ દૂર કરવામાં આવ્યા હતા.
કેમ્પસમાં અલ્લા-હૂ-અકબર અને જયશ્રી રામ સૂત્રોને મંજૂરી નહીઃ શિક્ષણ પ્રધાન
હિજાબના વિવાદ મુદ્દે કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન બી સી નાગેશે જણાવ્યું હતું કે સ્કૂલ-કોલેજોના કેમ્પસમાં અલ્લા-હૂ-અકબર અને જયશ્રી રામ સૂત્રોને મંજૂરી આપી શકાય નહીં. તેમણે જણાવ્યું હતું કે મંડ્યામાં વિદ્યાર્થીઓ અલ્લા-હૂ-અકબરના નારા બોલનારી યુવતીનો ઘેરાવો કરવો જોઇતો ન હતો. તે સમયે યુવતીની આજુબાજુ કોઇ ન હતું. આવી સ્થિતિમાં તેને કોણે ઉશ્કેરી તે સવાલ છે. અમે કોલેજોમાં અલ્લા-હૂ-અકબર અને જયશ્રી રામ સૂત્રોને પ્રોત્સાહન આપી શકીએ નહીં.
કોલકતાની યુનિવર્સિટીમાં 500 મુસ્લિમોની રેલી
કોલકતાની અલીહા યુનિવર્સિટીના આશરે 500 વિદ્યાર્થીઓએ શહેરના પાર્ક સર્કલ એરિયામાં એક રેલી કાઢી હતી અને કર્ણાટકમાં હિજાબ પરના પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. આ રેલીમાં હિજાબ પહેલી ઘણી મુસ્લિમ મહિલાઓ પણ સામેલ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે કોલકતામાં બે કિમી લાંબી રેલી નીકળી હતી, પરંતુ કોઇ અનિચ્છનીય ઘટના બની ન હતી. યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેમ્પસની બહાર થઈ રહેલી ગતિવિધિ અંગે અમે કોઇ ટીપ્પણી કરવા માગતા નથી.
રાજ્યમાં હિજાબ પર પ્રતિબંધની દરખાસ્ત નથીઃ મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશની ભાજપ સરકારે જણાવ્યું હતું કે રાજ્યની શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધની કોઇ દરખાસ્ત નથી. જોકે રાજ્યના શિક્ષણ પ્રધાન ઇન્દર સિંહ પરમારે હિજાબ પર પ્રતિબંધની તરફેણ કરીને સ્કૂલોમાં ડ્રેસ કોડની દરખાસ્ત કરી હતી. જોકે રાજ્ય સરકારે પ્રધાનના નિવેદનનું ખોટુ અર્થઘટન થયું હોવાની સ્પષ્ટતા કરી હતી. મધ્યપ્રદેશના ગૃહપ્રધાન અને સરકારના પ્રવક્તા નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં હિજાબ અંગે કોઇ વિવાદ નથી. હિજાબ પ્રતિબંધ અંગે સરકારના વિચારણા હેઠળ કોઇ દરખાસ્ત નથી.