કેનેડાની મુસ્લિમ ટીચરને ક્લાસરૂમમાં હિજાબ પહેરવા બદલ નોકરી ટ્રાન્સફર કરાઈ હતી. તેની સામે વિદ્યાર્થીઓ અને રાજકારણીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
કેનેડાના સ્થાનિક કાયદા મુજબ જાહેર સેવકો ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકતા નથી. કેનેડામાં ક્યુબેક સેક્યુલરિઝમ લોના બિલ 21 ની જોગવાઈ મુજબ ચેલ્સી એલિમેન્ટરી સ્કૂલની ટીચર ફતેહમેહ અન્વરીને હિજાબ પહેરવા બદલ તેના હોદ્દા પરથી દૂર કરવામાં આવી હતી અને આ જ સ્કૂલમાં વૈવિધ્યતા તથા સાક્ષરતા પ્રોજેક્ટ પર કામ સોંપાયું હતું.આ વિવાદાસ્પદ કાયદો 2019માં ભારે વિરોધ વચ્ચે પસાર કરાયો હતો. આ કાયદા મુજબ જજ, વકીલો અને પબ્લિક સ્કૂલના એજ્યુકેટરો તેમના કામના સ્થળે ધાર્મિક પ્રતીક દર્શાવી શકતા નથી. આ કાયદો પસાર થયા પછી તેણે ઘણા બધા કાયદાકીય પડકારોનો સામનો કરવો પડયો છે અને તે લઘુમતીઓને લક્ષ્યાંક બનાવીને બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
આ મહિને આ અંગે સૂચના મેળવનારી મહિલા ટીચર ફતેહમેહ અન્વરીએ જણાવ્યું હતું કે આ સમગ્ર બાબત વ્યક્તિગત ઘટના કરતાં વધારે મોટી છે.હું તેને વ્યક્તિગત બાબત બનાવવા માંગતી નથી. હું ફક્ત તે દર્શાવવા માંગુ છું કે આ રીતે લેવામાં આવતા મોટા-મોટા નિર્ણયો કેવી રીતે આપણા જેવા સામાન્ય માનવીના જીવન પર અસર કરે છે.
ક્યુબેકના નેતા ફ્રાન્કોઈસ લીગોલ્ટે કાયદાનો બચાવ કરતા જણાવ્યું હતું કે ખરેખર તો સ્કૂલ બોર્ડે હિજબ પહેરતી શિક્ષક લેવી જ જોઈતી ન હતી. તેમણે કાયદાને યોગ્ય અને સંતુલિત ગણાવ્યો હતો. વડાપ્રધાને પણ સાવધાનીપૂર્વકનો પ્રતિસાદ આપતા જણાવ્યું છે કે તેમણે આ બિલનો વિરોધ કર્યો હતો. ક્યુબેકરોએ તેમના મુદ્દા જાતે ઉકેલવા જોઈએ. કેનેડામાં કોઈપણ વ્યક્તિ તેના પહેરવા ઓઢવા કે ધાર્મિક માન્યતાના લીધે નોકરી ગુમાવવો જોઈએ નહીં.