મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળો સતત ફેલાઈ રહ્યો છે. દિનપ્રતિદિન દરદીઓની તેમ જ મૃતકોની સંખ્યામાં વધારો થાય છે. છતાં મહારાષ્ટ્ર સરકાર કહે છે કે ડરવાની જરૃર નથી. કોરોનાના દરદી સ્વસ્થ થવાનું પ્રમાણ વધુ છે. હકીકતમાં લોકડાઉન હળવું કરવાથી આ રોગચાળો વકર્યો છે, એમ ચર્ચાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 5318 દરદી નોંધાયા હતા. આથી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 159133 થઈ છે. જ્યારે 167દરદીએ જીવ ગુમાવ્યો હતો. પરિણામે મહારાષ્ટ્રમાં મરણાંક વધીને 7233 થયો છે, પણ કોરોનાના દરદીઓ સાજા થવાનું પ્રમાણ વધારે છે. આથી મહારાષ્ટ્રમાં 84245 દરદી કોરોનામુક્ત થયા હોવાનું આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યુ હતું.
મુંબઈમાં પણ કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. આજે મુંબઈમાં 41 જણ મૃત્યુ પામ્યા હતા અને કોરોનાના નવા 1460 કેસ નોંધાયા હતા. આથી મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 74252 થઈ છે અને મરણાંક 4284 થયો છે. આ સિવાય મહારાષ્ટ્રના અન્ય શહેર થાણેમાં 32795, પુણેમાં 19761, નાશિકમાં 3703, ઔરંગાબાદમાં 4586, સોલાપુરમાં 2536, જળગાંવમાં 2899 દરદી નોંધાયા હોવાનું રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં આજે 4430 સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 84245 દરદીઓ કોરોનામુક્ત થઈને હોસ્પિટલથી ઘરે ગયા છે. એવો દાવો રાજેશ ટોપેએ કર્યો હતો. મહારાષ્ટ્રમાં જેટલા કોરોનાગ્રસ્તની સંખ્યા છે તેની સામે કોરોનામુક્ત સાજા થવાનું પ્રમાણ 52.94 ટકા છે. જ્યારે મુંબઈમાં મૃતકનું પ્રમાણ 4.57 ટકા છે. એમ તેમણે ઉમેર્યું હતું.
મહારાષ્ટ્રમાં 896874 લોકોના નમૂના ટેસ્ટ કરાયા હતા. એમાંથી મેડિકલ રિપોર્ટ 159133 કોરોના પોઝિટિવ નોંધાયા હતા. અને મરણાંક 7273 છે. જ્યારે મહારાષ્ટ્રમાં સક્રીય દરદીની સંખ્યા 67600 દરદી છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 565161 જણને હોમ ક્વોરન્ટીન કરાયા હતા અને 36995 જણને સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા હોવાનું તેમણે ઉમેર્યું હતું. મુંબઈમાં કોરોના દરદીની સંખ્યા ઘટી રહી છે. એવો દાવો મુંબઈ મહાનગર પાલિકા કરે છે, પણ આજે કોરોનાના નવા 1460 દરદી નોંધાયા હતા. અને 41ના મોત થયા હતા અને 2587 દરદીઓ સાજા થઈને કોરોનામુક્ત થયા હતા.
મુંબઈમાં અંધેરી (પૂર્વ), સાકીનાકા, જોગેશ્વરી (પૂર્વ), મલાડ, ગોરેગામ, કાંદિવલી, બોરીવલી, દહિસર, મુલુંડ, ભાંડુપ, કુર્લા, ભાયખલા, મરીનલાઇન્સ વિસ્તારમાં દરદીઓની સંખ્યા વધી રહી છે, પણ ધારાવીમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે.