વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતાં ભારતના આશરે 70 ટકા વિદ્યાર્થીઓ કોરોના પછીની સ્થિતિમાં નાણાની બચત કરવા માટે હાઇબ્રિડ પ્રોગ્રામને પસંદગી આપી રહ્યાં છે, એમ એક નવા સર્વેમાં જણાવાયું છે. આ સરવેમાં વિદેશ અભ્યાસની ઇચ્છા ધરાવતા આશરે 4,000 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. હાઇબ્રિડ પ્રોગ્રામમાં ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને ડિગ્રીનો સમાવેશ થાય છે.
સર્વેમાં બહાર આવ્યું છે કે આશરે 66.8 ટકા વિદ્યાર્થીઓ સ્વીકાર્યું હતું કે કોરોના મહામારીની નવી લહેરથી વિદેશમાં અભ્યાસ કરવાની તેમની યોજનાને અસર થઈ છે. ટેક-ઇનેબલ્ડ ઓવરશીઝ એજ્યુકેશન પ્લેટફોર્મ વર્લ્ડગ્રેડે કરેલા સર્વેમાં જણાવાયું છે કે 72 ટકા વિદ્યાર્થીઓએ શિક્ષણની ગુણવત્તામાં સમાધાન વગર શિક્ષણના ખર્ચમાં ઘટાડો કરવા હાઇબ્રિડ મોડલ (પાર્ટ ઓનલાઇન-પાર્ટ ઓફલાઇન ડિગ્રી) પર પસંદગી ઉતારી છે. થોડા મહિના પહેલા આશરે 55 ટકા વિદ્યાર્થીઓએ હાઇબ્રિડ મોડની પસંદગી કરી હતી. આમ ઓમિક્રોન આધારિત કોરોનાની ત્રીજી લહેર પછીથી આવું મોડલ પસંદ કરનારા વિદ્યાર્થીઓની ટકાવારીમાં મોટો વધારો થયો છે. કોરોના મહામારીએ આ ટ્રેન્ડમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
સર્વેમાં 66.8 ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે મહામારીની હાલની લહેરથી તેમના વિદેશમાં અભ્યાસની યોજનાને અસર થઈ છે. ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે ઘણા માતાપિતા સુરક્ષાની ચિંતાની કારણે હાલમાં તેમના સંતાનોને વિદેશ મોકલવામાં ખચકાટ અનુભવે છે.
વિશ્વના દેશોએ કોરોનાનો સામનો કરવા કેવી કામગીરી છે તેના આધારે ભારતના વિદ્યાર્થીઓએ કયા દેશમાં અભ્યાસ માટે જવું તેનો નિર્ણય કરી રહ્યાં છે. અભ્યાસ માટે દેશની પસંદગી કરવામાં આ મુદ્દો ત્રીજો સૌથી વધુ મહત્ત્વનો માપદંડ બન્યો છે.
વિદેશમાં અભ્યાસ માટે ભારતના વિદ્યાર્થીઓ પ્રથમ પસંદગી અમેરિકાને આપે છે. અમેરિકાની પસંદગી કરનારા દેશોની ટકાવારી 41 ટકા રહી છે. આ ઉપરાંત 21 ટકા વિદ્યાર્થીઓ કેનેડાની, 18 ટકા વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયાની અને 16 ટકા વિદ્યાર્થીઓ બ્રિટનની પસંદગી આપી હતી.
સર્વેમાં જણાવ્યા અનુસાર આશરે 58 ટકા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ સંબંદિત વિઝા ગાઇડલાઇન અંગે મર્યાદિત જાણકારી ધરાવે છે. આનું મુખ્ય કારણ પણ મહામારી છે, કારણ કે વિશ્વના દેશોએ તેમની નીતિઓમાં વારંવાર ફેરફાર કર્યો છે.