ભારતમાં આઠ જાન્યુઆરીએ ચાલુ થયેલા સપ્તાહ દરમિયાન વિક્રમજનક 534 લાખ કિમી નેશનલ હાઇવેનું નિર્માણ થયું હતું. ભારતના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયે એપ્રિલ 2020થી 15 જાન્યુઆરી 2021 દરમિયાન 8,169 કિમી નેશનલ હાઇવનું નિર્માણ કર્યું હતું. આમ દરરોજ 28.16 કિમીના નેશનલ હાઇવેનું નિર્માણ થયું હતું.
ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં દૈનિક 26.11 કિમીની સ્પીડ સાથે 7,573 કિમી રોડનું નિર્માણ થયું હતું. મંત્રાલયે આશા વ્યક્ત કરી હતી કે તે આ સ્પીડ સાથે 31 માર્ચ સુધીમાં 11,000 કિમી રોડ નિર્માણના લક્ષ્યાંકને હાંસલ કરી શકશે.
રોડ મંત્રાલયે એપ્રિલ 2020થી 15 જાન્યુઆરી 2021 સુધી 7,579 કિમીના નેશનલ હાઇવેના નિર્માણ માટે કોન્ટ્રાક્ટ આપ્યા હતા. 2019-20ના નાણાકીય વર્ષમા આ સમયગાળામાં 3,474 કિમીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. તેથી કોન્ટ્રાક્ટ આપવાની સ્પીડ પણ બમણી થઈ હતી.
2019-20ના વર્ષમાં કુલ 8,948 કિમી નેશનલ હાઇવે નિર્માણ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, જ્યારે 10,237 કિમી હાઇવેનું નિર્માણ થયું હતું. કોરોના વાઇરસને કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં કોઇ કામ થઈ શક્યું ન હોવાથી આ સિદ્ધનું વિશેષ મહત્ત્વ છે.