ભારતીય હાઈ જમ્પર તેજસ્વીન શંકરે બોસ્ટનમાં યોજાયેલી ન્યૂ બેલેન્સ ઈન્ડોર એથ્લેટિક્સ ગ્રાં પ્રીમાં મેન્સ હાઈ જમ્પનો ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા તેજસ્વીને નવી સિઝનની ધમાકેદાર શરૂઆત કરતાં ૨.૨૬ મીટરનો જમ્પ લગાવ્યો હતો અને ટોચનું સ્થાન મેળવ્યું હતુ. આ વર્લ્ડ એથ્લેટિક્સ ઈન્ડોર ટુર ગોલ્ડની સિઝનની બીજી ટુર્નામેન્ટ હતી.
તેજસ્વીને શાનદાર દેખાવ સાથે અનુક્રમે ૨.૧૪ મીટર, ૨.૧૯ મીટર, ૨.૨૩ મીટર અને ૨.૨૬ મીટરની હાઈટ ક્લિયર કરી હતી. એ પછી તેણે વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવનો પ્રયાસ કરતાં ૨.૩૦ મીટરની હાઈટ ક્લિયર કરવાના ત્રણ પ્રયાસ કર્યા હતા. જોકે તેમાં તેને સફળતા મળી નહોતી.
૨૪ વર્ષનો આ ભારતીય એથ્લીટ તેજસ્વી અમેરિકાની કેન્સાસ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી ચૂક્યો છે. ગત વર્ષે તેણે કેન્સાસ સ્ટેટ માટે એનસીએએ ટાઈટલ બીજીવાર પ્રાપ્ત કર્યું હતુ.