સાબરમતી આશ્રમ (istockphoto.com)

ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિરુદ્ધમાં દાખલ કરેલી પિટિશનને ફગાવી દીધી હતી. તેનાથી આ સૂચિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટસ માટેનો માર્ગ મોકળો થયો છે.
કોર્ટમાં સરકારે જણાવ્યું હતું કે ગાંધી આશ્રમના મુખ્ય એરિયાને કોઇ અસર થશે નહીં. સરકારની રજૂઆત બાદ કોર્ટે આ નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત હાઈકોર્ટે ફરી આ કેસને સાંભળ્યો હતો અને ચુકાદો આપ્યો હતો. .
અગાઉ આશ્રમના સૂચિત રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી રિટની ફરી સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને આદેશ કર્યો હતો. જૂન માસમાં શરૂ થયેલ સુનાવણીનો આજે અંત આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારને ગાંધી વિચારો અને મૂલ્યોનું જતન અને પ્રચાર થઈ શકે તે રીતે જ રીડેવલપમેન્ટ કરવાના પ્લાનને છૂટ આપી છે. હાઈકોર્ટે ચુકાદામાં ટાંક્યું હતુ કે મૂળ ગાંધી આશ્રમની 5 એકર જગ્યા યથાવત્ રહેશે. નવેમ્બર, 2021માં ગુજરાત હાઇકોર્ટે સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ સામેની રિટ ફગાવી હતી અને રિડેવલપમેન્ટના રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

જોકે તુષાર ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચુકાદા વિરૂદ્ધ અપીલ કરી હતી. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે સાબરમતી આશ્રમનું રૂ.12,00 કરોડના ખર્ચ સાથે રિડેવલપમેન્ટ કરવાની યોજના બનાવેલી છે.

LEAVE A REPLY