અલ્હાબાદ હાઇ કોર્ટે જણાવ્યું હતું કે કોઇ વ્યક્તિ ડેટિંગ વેબસાઇટ પર એક્ટિવ હોય તેના આધારે તે વ્યક્તિની નૈતિકતાનું મૂલ્યાંકન કરી શકાય નહીં. બળાત્કારના આરોપીની આગોતરા જામીનની અરજીની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલની દલીલ સાંભળ્યા બાદ હાઇ કોર્ટે આ ટીપ્પણી કરી હતી.
દલીલમાં કહેવામાં આવ્યું હતું કે પીડિતા ડેટિંગ સાઇટ પર આરોપીના સંપર્કમાં આવી હતી અને ચોથા દિવસે મળવા માટે પહોંચી હતી. આ સંજોગોમાં પીડિતાની નૈતિકતા શંકાસ્પદ છે. હાઇ કોર્ટે આ દલીલ માન્ય રાખી ન હતી અને આગોતરા જામીનની અરજી નકારી કાઢી હતી. આરોપી પર લગ્ન કરવાનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લગાવીને એફઆઇઆર દાખલ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી અને પીડિતા ડેટિંગ સાઇટ પર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આરોપ મૂકવામાં આવ્યો હતો કે ડેટિંગ સાઇટ પર સંપર્ક થયાના ચોથા દિવસે બંનેની રૂબરુ મુલાકાત થઈ હતી. આરોપીએ પીડિતા સાથે એવું કહીને શારીરિક સંબંધ બાંધ્યો હતો કે તે લગ્ન કરશે. જોકે પછીથી લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.
કેસ દાખલ થયા પછી ધરપકડથી બચવા માટે નોઇડા સ્થિત આરોપી અભય ચોપડાએ હાઇ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી કરતાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે બંને વચ્ચે સંપર્ક થયાના માત્ર ચાર દિવસમાં શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. તેનાથી સાબિત થાય છે કે આ સંબંધો પરસ્પર સંમતિનો વિષય છે. આરોપીના વકીલે એવી પણ દલીલ કરી હતી કે આરોપીએ પીડિતાને લગ્ન કરવાનું કોઇ વચન આપ્યું ન હતું. તેથી બળાત્કારનો આરોપ ખોટો છે. જસ્ટિસ વિવેક અગ્રવાલે આ તર્કનો સ્વીકાર કર્યો ન હતો.
હાઇ કોર્ટે જણાવ્યું હતું કે બે સગીર વ્યક્તિ કોઇ ડેટિંગ સાઇટ પર સંપર્કમાં આવે અને ચોથા દિવસે રૂબરુ મુલાકાત દરમિયાન વિશ્વાસ ઊભો થાય અને તેના આધારે શારીરિક સંબંધ બાંધે તો તેનાથી કોઇ વ્યક્તિના ચારિત્ર્ય અથવા તેની નૈતિકતા નક્કી કરી શકાય નહીં.