ગુજરાત હાઇ કોર્ટ તેનું કાર્યવાહીનું લાઇવ સ્ટ્રીમિંગ ચાલુ કરનારી દેશની પ્રથમ કોર્ટ બની છે. ભારતના ન્યાયતંત્રમાં પારદર્શકતા માટેનું મોટું પગલું લઈને ભારતના ચીફ જસ્ટિસ એન વી રામન્નાએ શનિવારે ગુજરાત હાઇ કાર્ટના લાઇવ સ્ટ્રીમિંગનો પ્રારંભ કર્યો છે. ચીફ જસ્ટિસ રામન્નાએ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું પણ ટૂંક સમયમાં લાઇવ સ્ટ્રીમિંગ ચાલુ કરવાની ખાતરી આપી હતી.
હવે ગુજરાત હાઇ કોર્ટની તમામ કોર્ટની કાર્યવાહીનું સોમવારથી જીવંત પ્રસારણ શરૂ થશે. જીવંત પ્રસારણ માટે હાઇકોર્ટે ઘડેલા લાઇવ સ્ટ્રીમિંગ રૂલ્સનું શનિવારે ભારતના ચીફ જસ્ટિસ એન વી રામન્ના દ્વારા ઓનલાઇન વિમોચન કરવામાં આવ્યુ હતુ. ચીફ જસ્ટિસ રામન્નાએ વિમોચન દરમિયાન કહ્યું હતું કે લોકોમાં ન્યાયતંત્ર પ્રત્યે વિશ્વાસ અને શ્રદ્ધા સુનિશ્ચિત કરવા કોર્ટ સુનાવણીનું જીવંત પ્રસારણ મહત્વનું પગલું છે.
ચીફ જસ્ટિસ રામન્નાએ કહ્યું હતું કે કોર્ટ સુનાવણીઓ હંમેશાથી અરજદારો, વકીલો અને સામાન્ય નાગરિકો માટે ખૂલ્લી જ રહેતી આવી છે, પરંતુ ગરીબીના કારણે સર્જાતી કડવી વાસ્તવિકતાઓ, કોર્ટ સુધી આવવાનો ખર્ચ, જાગરૂકતાનો અભાવ, સમય અને સ્થળના કારણે મોટાભાગના નાગરિકો સક્રીયતાથી કોર્ટ સુનાવણીઓ જોઇ શક્યા નથી. તેમણે વધુ ઉમેરતા કહ્યું હતું કે લાઇવ સ્ટ્રિમિંગના લીધે જજો ઉપરનું દબાણ વધશે.
આ કાર્યક્રમમાં સુપ્રીમના જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ એમ.આર. શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને હાઇકોર્ટના અન્ય ન્યાયમૂર્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટ દેશની સર્વપ્રથમ હાઇકોર્ટ છે જ્યાં ચીફ જસ્ટિસની કોર્ટ સિવાય અન્ય કોર્ટની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે.