HCI Vikram doraiswamy

સ્કોટલેન્ડના ગ્લાસગોના આલ્બર્ટ ડ્રાઇવ પર આવેલા ગ્લાસગો ગુરુદ્વારા ગુરુ ગ્રંથ સાહિબ ખાતે ભારતના હાઈ કમિશનર અને ભારતના કોન્સલ જનરલ માટે ગુરુદ્વારા સમિતિ દ્વારા 29 સપ્ટેમ્બર શુક્રવારના રોજ આયોજિત બેઠકમાં ભાગ લેવા જઇ રહેલા ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઇસ્વામીને કેટલાક કટ્ટરવાદી – ખાલિસ્તાનીઓ દ્વારા અટકાવવામાં આવતા યુકેમાં રહેતા ભારતીયોમાં વ્યાપક રોષ ફેલાયો છે.

ગુરુદ્વારાની બહાર ભારતીય હાઈ કમિશ્નર વિવેક દોરાઇસ્વામી સાથેના ગેરવર્તનનો મુદ્દો ભારતના હાઈ કમિશન દ્વારા બ્રિટનના ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ) અને પોલીસ સામે ઉઠાવવામાં આવ્યો છે. આયોજકો સહિત અનેક સામુદાયીક સંગઠનોએ આ ઘટના પર ઔપચારિક રીતે ખેદ વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને ગુનેગારો સામે પગલાં લેવા વિનંતી કરી છે.’’

ઈન્ડો-પેસિફિક માટે યુકેના ફોરેન ઓફિસ મિનિસ્ટર એન-મેરી ટ્રેવેલિયને એક ટ્વિટ કરી જણાવ્યું હતું કે “ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ગ્લાસગોના ગુરુદ્વારામાં ગુરુદ્વારા સમિતિને મળતા રોકવામાં આવ્યા તે જોઈને ચિંતા થઈ છે. વિદેશી રાજદ્વારીઓની સલામતી અને સુરક્ષા અત્યંત મહત્વની છે અને યુકેમાં અમારા ધાર્મિક સ્થાનો બધા માટે ખુલ્લા હોવા જોઈએ.”

સ્કોટલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે “વિક્ષેપ સજાર્તા અમને શુક્રવાર, 29 સપ્ટેમ્બરે બપોરે 1.05 વાગ્યાની આસપાસ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં કોઈ ઇજાના અહેવાલો નથી, અને સંપૂર્ણ સંજોગો સ્થાપિત કરવા માટે પૂછપરછ ચાલુ છે ”

વાઇરલ થયેલા વિડીયોમાં દેખાય છે કે ભારતના હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઇસ્વામી અને ભારતના કોન્સલ જનરલના અધિકારોની કાર ગુરુદ્વારા કમ્પાઉન્ડમાં પ્રવેશતા ત્રણેક શિખોએ તેને અટકાવી હતી અને કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરી આક્રોશભરી બુમો પાડી હતી. ધમકીઓ અને દુર્વ્યવહાર કરાતા સંભવિત ઝઘડાને રોકવાના પ્રયાસરૂપે હાઈ કમિશ્નરે પરિસ્થિતી પારખી લઇ ત્યાંથી જતા રહેવાનું મુનાસિબ માન્યું હતું.’’

ભારતીય હાઇ કમિશને એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ‘’29 સપ્ટેમ્બર, 2023ના રોજ સમુદાય અને કોન્સ્યુલર બાબતો અંગે ચર્ચા કરવા બોલાવાયેલી બેઠકને સ્કોટલેન્ડની બહારના વિસ્તારોમાંથી આવેલા ત્રણ જણાએ જાણી જોઈને વિક્ષેપિત કરી હતી. આ બેઠકના આયોજકોમાં સમુદાયના વરિષ્ઠ નેતાઓ, મહિલાઓ, સમિતિના સભ્યો અને સ્કોટિશ સંસદના સભ્યો ઉપસ્થિત હતા. ઉગ્રવાદી તત્વોમાંના એકે હિંસક રીતે હાઇ કમિશ્નરની કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આયોજકોમાંના એક વ્યક્તિએ ઝડપથી તેને અટકાવતા મોટી ઘટના ટળી હતી.’’

શનિવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં, ગ્લાસગો ગુરુદ્વારા ગુરુ ગ્રંથ સાહિબ શીખ સભાએ જણાવ્યું હતું કે ” ગ્લાસગો વિસ્તારની બહારના અમુક અજાણ્યા અને અનિયંત્રિત વ્યક્તિઓએ ધાર્મિક સ્થળની શાંતિને ખલેલ પહોંચાડી હતી અને હાઇ કમિશ્નરની વ્યક્તિગત મુલાકાતમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે મુલાકાતી પક્ષે પરિસર છોડવાનો નિર્ણય કર્યો હતો. મુલાકાતીઓના ગયા પછી પણ, આ બેકાબૂ વ્યક્તિઓએ ગુરુદ્વારાની વિધિમાં ખલેલ પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાર બાદ પોલીસ બોલાવાઇ હતી અને તેમણે આ બાબતની નોંધ લીધી હતી.’’

નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે “ગ્લાસગો ગુરુદ્વારા શીખોના ધર્મસ્થળની શાંતિપૂર્ણ કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા માટે આવા અવ્યવસ્થિત વર્તનની સખત નિંદા કરે છે. ગુરુદ્વારા તમામ સમુદાયો અને પૃષ્ઠભૂમિના લોકો માટે ખુલ્લું છે, અને અમે અમારા ધર્મના સિદ્ધાંતો અનુસાર દરેકને ખુલ્લેઆમ આવકારીએ છીએ.”

ભાજપના નેતા મનજિંદર સિંઘ સિરસાએ આ ઘટનાની કડક શબ્દોમાં ટીકા કરી જણાવ્યું હતું કે, ‘’કોઈપણ ધર્મ અથવા સમુદાયની વ્યક્તિ ગુરુદ્વારામાં પ્રવેશ કરી શકે છે. આપણો ધર્મ હિંસા કરવાનું નથી શીખવાડતો પરંતુ આપણે એ લોકો છીએ જેઓ માનવતાની રક્ષા કરે છે. ગુરુદ્વારા ભગવાનનું ઘર છે. અહીં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરી શકાય. આ જ કારણથી તેમાં ચાર દરવાજા હોય છે.’’

સોસ્યલ મિડીયામાં વાઇરલ થયેલ એક પોસ્ટમાં એક ખાલિસ્તાન સમર્થકે કહ્યું હતું કે, ‘’મને નથી લાગતું કે ગુરુદ્વારા કમિટી જે કંઈ પણ થયું તેનાથી બહુ ખુશ છે. પરંતુ યુકેના કોઈપણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત કરાશે નહીં.’’

ઇન્ડિપેન્ડન્ટ ફેઇથ એડવાઇઝર કોલિન બ્લૂમે ટ્વીટ કરી જણાવ્યું હતું કે “ખાલિસ્તાન તરફી કાર્યકરોના એક જૂથે સ્થાનિક શીખ કમિટીને ધમકાવીને હાઈ કમિશનરની કાર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ ઘટનાનો વિડીયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર મૂક્યો છે.”

ગતા જુલાઈમાં બ્લૂમે પોતાના અહેવાલમાં યુકેમાં કેટલાક ખાલિસ્તાની તરફી કાર્યકરોના “વિનાશક, આક્રમક અને સાંપ્રદાયિક” ક્રિયાઓ અંગે ચેતવણી આપી હતી. ધ બ્લૂમ રિવ્યૂ’ નામના અહેવાલમાં બ્લૂમે જણાવ્યું હતું કે ‘’મોટા ભાગના બ્રિટિશ શીખો અદ્ભુત લોકો છે, પરંતુ આ નાનકડી અને આક્રમક લઘુમતી તેમના પ્રતિનિધિ નથી. યુકે સરકારે આ ઉગ્રવાદી ફ્રિન્જ તત્વો સાથે વ્યવહાર કરવા માટે વધુ કરવાની જરૂર છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં ભારતની મુલાકાત દરમિયાન, યુકેના સિક્યુરિટી મિનિસ્ટર ટોમ ટુગેન્ધાતે માર્ચમાં લંડનમાં હાઈ કમિશન પર થયેલા હુમલાના પગલે ખાલિસ્તાન તરફી ઉગ્રવાદ (PKE)નો સામનો કરવા માટે 95,000 પાઉન્ડના ફંડની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY