ખાલિસ્તાન તરફી વિરોધીઓ દ્વારા “અસ્વીકાર્ય” હિંસાના કૃત્યોને પગલે યુકે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનની સુરક્ષાની સમીક્ષા કરશે અને સરકાર આ બાબતોને “ખૂબ જ ગંભીરતાથી” લે છે અને આવી ઘટનાઓનો “મજબૂત” જવાબ આપશે એમ યુકેના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું છે.
ખાલિસ્તાનનો ધ્વજ લહેરાવતા આશરે 2,000 વિરોધીઓએ 22 તારીખે બુધવારે પ્રદર્શન કરી ભારતીય મિશન પર પોલીસની ભારે હાજરીમાં પાણી ભરેલી બોટલો અને શાહી ભરેલા ફુગ્ગા ફેંકીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દેખાવો માટે યુકેના જુદા જુદા ભાગોમાંથી પાઘડીધારી પુરૂષો, સ્ત્રીઓ અને બાળકોને બસોમાં લાવવામાં આવ્યા હતા અને તેમણે ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કર્યા હતા. તે અગાઉ રવિવારે ઈન્ડિયા હાઉસ પર હુમલો કરી ભારતનો રાષ્ટ્ર ધ્વજ ઉતારી લેવાયો હતો.
બુધવારે જાહેર કરાયેલા નિવેદનમાં, ફોરેન સેક્રેટરી ક્લેવર્લીએ જણાવ્યું હતું કે ‘’બ્રિટિશ સરકાર આવી બાબતોને ખૂબ જ ગંભીરતાથી લે છે અને હુમલાનો “મજબૂત” જવાબ આપશે. મિશનના સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી ફેરફારો કરવા માટે મેટ્રોપોલિટન પોલીસ સાથે સરકાર કામ કરે છે. બુધવારે યોજાયેલા પ્રદર્શન માટે ઈન્ડિયા હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ, ઘોડા પર સવાર અધિકારીઓ અને હેલિકોપ્ટર સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું. મેં હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને અમારી સ્થિતિ સ્પષ્ટ કરી છે. હુમલાઓ અંગે પોલીસ તપાસ ચાલુ છે અને યુકે સરકાર લંડનમાં ભારતીય હાઈ કમિશન અને નવી દિલ્હીમાં ભારત સરકાર સાથે નજીકના સંપર્કમાં છે.’’
તેમણે જણાવ્યું હતું કે ‘’અમારો સંયુક્ત 2030 રોડમેપ અમારા સંબંધોને માર્ગદર્શન આપે છે અને બતાવે છે કે જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ. બંને દેશો માટે નવા બજારો અને નોકરીઓનું સર્જન કરીએ છીએ અને સહિયારા પડકારોનો સામનો કરવામાં મદદ કરીએ છીએ. અમે ભવિષ્ય માટે યુકે અને ભારત વચ્ચે ગાઢ સંબંધો બાંધવા માંગીએ છીએ.”
રવિવારની હિંસક અવ્યવસ્થા બાદ એલ્ડવિચ સ્થિત ભારતીય હાઈ કમિશને એક વિશાળ રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને વિરોધનો પ્રતિભાવ આપ્યો હતો. હાઈ કમિશનર દોરાઈસ્વામીએ અલગતાવાદી જૂથ ‘વારિસ પંજાબ દે’ સામે અમલીકરણની કાર્યવાહી સંબંધિત ખોટી માહિતીનો સામનો કરવા ટ્વિટર પર બ્રિટિશ પંજાબીઓને ખાતરી આપી હતી કે સોશિયલ મીડિયા પર ફેલાયેલા “સનસનાટીભર્યા જૂઠાણાં”માં કોઈ સત્ય નથી.