આવકવેરા વિભાગે દેશની સૌથી મોટી ટુ-વ્હિલર કંપની હીરો મોટોકોર્પના આશરે 1,000 કરોડના બોગસ ખર્ચ અને દિલ્હીમાં એક ફાર્મહાઉસ માટે રૂ.100 કરોડના કેશ ટ્રાન્ઝેક્શનને શોધી કાઢ્યા છે. આવકવેરા વિભાગે 23 માર્ચે હીરો મોટોકોર્પ અને તેના ચેરમેન પવન મુંજાલના સંખ્યાબંધ ઠેકાણે દરોડા પાડ્યા હતા. આ સર્ચ અને સીઝર કાર્યવાહી 26 માર્ચે પૂરી થઈ હતી.
આઇટી વિભાગની ટૂકડીએ દિલ્હી એનસીઆરના જુદા જુદા વિસ્તારમાં આવેલા આશરે 40 સંકુલો પર તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સર્ચ કાર્યવાહી દરમિયાન હાર્ડ કોપી ડોક્યુમેન્ટ્સ અને ડિજિટલ ડેટાના સ્વરૂપમાં ઘણા વાંધાજનક પુરાવા મળ્યા છે. આ પુરાવા દર્શાવે છે કે કંપનીએ બોગસ ખરીદીના બિલો બનાવ્યા હતા, જંગી પ્રમાણમાં બિનહિસાબી રોકડ રકમનો ખર્ચ કર્યો હતો અને એકોમોડેશન એન્ટ્રી મેળવી હતી. આ તમામ વ્યવહારો આશરે રૂ.1000 કરોડથી વધુના છે.
દિલ્હીમાં એક ફાર્મ હાઉસની ખરીદી માટે રૂ.100 કરોડથી વધુના કેશ ટ્રાન્ઝેક્શનના પુરાવા પણ મળ્યા છે. પવન મુંજાલે દિલ્હીના છત્તરપુરમાં એક ફાર્મહાઉસ ખરીદ્યું છે. ટેક્સ બચાવવા અને બ્લેક મનીનો ઉપયોગ કરવા માટે ફાર્મ હાઉસના બજારભાવમાં ચેડાં થયા હતા અને રૂ.100 કરોડથી વધુની રકમ રોકડમાં ચુકવવામાં આવી હતી, જે આઇટી ધારાની કલમ 269 એસએસનો ભંગ છે.
ગયા સપ્તાહે હીરો મોટોકોર્પના પ્રમોટર્સની ઓફિસો અને રહેણાંક પર દરોડા પાડવામાં આવ્યા હતાા. સર્ચ કાર્યવાહી દરમિયાન હાજર હોય તેવા વ્યક્તિઓના નિવેદનો રેકોર્ડ કરાયા હતા અને પંચનામું કરવામાં આવ્યું હતું.