પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ડો. યુવા અય્‍યર, આયુર્વેદિક ફિઝિ‌શિયન 

કોઇ પણ વ્યક્તિને થતાં ઋતુગત રોગ તેની ખુદની પ્રકૃતિ પર મહદઅંશે જવાબદાર હોય છે. કોઇને સ્હેજ-સ્હેજ ઠંડી લાગે કે શરદી થાય!
•સામાન્ય એવો વાયુકર ખોરાક ખાય કે ગેસ પજવે! સાથેના અન્ય લોકો એ જ ખાનપાન કે વાતાવરણમાં સાથે હોય તો પણ તેમને કશું ન થાય, અને પોતાને જ કેમ આવું થાય છે? અંતે પોતે જ આવા પ્રશ્નનું સમાધાન શોધે કે પોતાની પ્રકૃતિ જ આવી છે!
• આવું તારણ આયુર્વેદની દૃષ્ટિએ ખોટું કે, અતાર્કિક ન ગણાય. પ્રકૃતિગત આવું બને. પ્રકૃતિ પણ પ્રત્યેકની જન્મજાત દોષોના સંયોજનથી નક્કી થતી હોય છે.
• કેટલાંક એવા પણ હોય જેઓને ઇમ્યુનિટીનો અભાવ કારણભૂત હોય. કોઇને વારંવાર ઉધરસ થઇ જવી, શરીરે ચળ આવવી કે, ધૂળની કે સુવાસની પણ એલર્જી થતી હોય, ક્યારેક આવી તકલીફથી પીડાતા દર્દીઓ આવી તકલીફ ‘વારસાગત’ છે. તેથી નહીં જ મટે તેવી શંકા વ્યક્ત કરતા હોય છે. ત્યારે તેમને આવું માનવા માટેનું કારણ પૂછીએ ત્યારે કહે પણ ખરા, ‘મારા પિતાને અથવા મારી મમ્મીને પણ આવું જ થાય છે અથવા તો મારી ઉંમરના હતા ત્યારે આવું થતું.’ આવા સમયે ધીરજથી તેઓને સમજાવવું પડે; ‘તમારા માતાને કે પિતાને આવું થતું હોય તેનો અર્થ એ નથી કે તમને એમનો રોગ વારસામાં જ મળ્યો છે. તમારા વડીલ કે ભાઇ – બહેનને આવું થતું હોય તેનાં કારણો તમારા કરતાં જુદાં પણ હોઇ શકે.’

રોગ -આરોગ્ય પણ વારસામાં મળે છે, એ નકારી ન શકીએ પરંતુ બધે આ જ મૂળ કારણ હોય એવું નથી.
માણસને આનુવંશિક રીતે ઘણાં શારીરિક લક્ષણો વારસારૂપે મળે છે, પરંતુ વારંવાર થતો રોગ વારસાગત ઠેરવી દેવો યોગ્ય નથી. માણસ સ્વયં પોતાના દર્દનાં કારણો વિચારે એ જરૂરી છે. પરંતુ બધી જ બાબતમાં જાતે જ કોઇ નિદાનમાં બંધાવું ન જોઇએ. આવું વલણ ક્યારેક રોગ થયો ન હોય, થવાનાં કોઇ કારણો – સંજોગો ન હોય તો પણ ખોટો હાઉ પેદા કરે છે.

બીન આઈ મૌત
આ માટેનું એક સરસ દૃષ્ટાંત ‘બિન આઇ મૌત’નું છે. ખલીફા હારૂન રશીદ એક વખત ઘોડેસવાર થઇ લાંબા પ્રવાસે નીકળ્યા. તેમણે જોયું કે, કોઇ કાળા લિબાસવાળો માણસ છુપાઇને તેમના જવાની રાહ જોઇ ઊભો હતો. શંકા થતાં એમણે ઘોડો ઝડપથી પાછો ફેરવ્યો. પેલા કાળા લિબાસવાળાને નગરમાં પ્રવેશવા જતો હતો તેને કાંઠલેથી પકડ્યો; ‘તું કોણ છે?’ મારા નગરમાં ચોરીછૂપી કેમ જાય છે?

કાળા લિબાસવાળો બોલ્યો; ‘હજૂર હું હૈઝા (કોલેરાનો રોગ) છું મારે તમારા દસ માણસોનો ભોગ લેવાનો છે. પરંતુ તમે એટલા પવિત્ર છો કે, મારાથી તમે હાજર હો ત્યારે નગરમાં પ્રવેશી શકાતું નથી.’ અને નિયતિથી નક્કી થયેલાનો ભોગ લઇ શકાતો નથી. ‘

હારૂન રશીદબોલ્યા; ‘તો હું ફરી પાછો નગરમાં જઇશ અને મારા લોકોને ભોગ બનતા બચાવીશ.’
હૈઝા બોલ્યો; ‘જેવી આપની મરજી હઝૂર! પણ તમે ક્યાં સુધી નગરમાં રહી શકશો? નિયત ભોગ તો લેવાશે જ. વહેલું કે મોડું તમારે ક્યારેક તો જવાનું થશે જ ને! ત્યારે હું આવીશ.’

ખલીફા વિચારમાં પડી ગયા, વિચાર્યું વાત તો ખરી છે. ક્યારેક તો જવું પડશે અને નિયતિ ન બદલાય. દશ માણસનું આયુષ્ય ખૂટ્યું હશે.

આમ વિચારી ખલીફા પ્રવાસે ગયા. હૈઝાએ નગરમાં પ્રવેશ કર્યો, મહિનો જ થયો હશે અને ખલીફાને સમાચાર મળ્યા કે એમના નગરમાં કોલેરાએ અનેક માણસોનો ભોગ લીધો છે. આથી મારતે ઘોડે પાછા ફર્યા. ખલીફા જેવા નગરમાં પ્રવેશ્યા કે હૈઝા બહાર નીકળ્યો.

ખલીફાએ તેને પકડી પૂછ્યું; ‘તે વચનભંગ કર્યો! દશના બદલે તેં તો સેંકડોનો ભોગ લીધો.’
હૈઝા બોલ્યો; ‘હઝૂર મેં તો દશનો જ ભોગ લીધો.’
‘તો આટલા બધા મોત કેમ થયા?’

‘એ બધા તો કોલેરા થશે એવા ભયમાં જ મરી ગયા.’ શંકા આશંકા કેવું પરિણામ લાવે તેનું આ કાલ્પનિક દૃષ્ટાંત છે.
ભય, શંકાથી પ્રેરાઇને લાંબા સમયથી ચાલતી ખાંસી, ટી.બી.ને કારણે જ હશે તેવું માની બેસેલા એક બહેન તેમના નોર્મલ રીપોર્ટને પણ નકારી અને કહેવા લાગ્યા; ‘મમ્મીને આ જ ઉંમરે ટીબી થયેલો. જે ફરી સાજા થયેલા નહીં.’
બહેનને સમજાવ્યા કે ટીબીનાં કોઇ જ લક્ષણો નથી. અંતે હાઇબ્લડપ્રેશર માટે લેવાતી દવાને પરિણામે આવી ખાંસી, દવા બદલવાથી બંધ થઇ.

શંકાનું યોગ્ય સમાધાન જરૂરી
• વારસામાં ક્યાંક રોગ પણ સાથે મળી રહ્યો છે કે કેમ આવી પીડાથી દુઃખી થતાં રોગીઓએ યોગ્ય માર્ગદર્શન મેળવી થતી પીડાનું નિરાકરણ કરાવવું જોઇએ.
•હાર્ટડીસીઝ, હાઇ બ્લડપ્રેશર, ઓબેસિટી, ઇમ્યુનિટી રેઝીસ્ટન્ટ જેવા વારસાગત કારણસર થતા રોગોને લાઇફસ્ટાઇલમાં સુધારો, ઉપચારથી થતાં અટકાવી શકાય છે,તેનાથી થતું નુકસાન અટકાવી શકાય છે.
• સિકલસેલ એનિમિયા, સિસ્ટીક ફાઇબ્રોસીસ, માસ્ક સિન્ડ્રોમ, હન્ટીંગટનસ ડીસીઝ, હેમોક્રોમેસીસ જેવા રોગો વિશે આગોતરી માહિતી હોવાથી રોગીને યોગ્ય માર્ગદર્શન મળવાથી ફાયદો થતો હોય છે.
• જન્મ થતાં પહેલા ગર્ભાવસ્થામાં કોઇ એક જમીનની ક્ષતિથી થતાં તો ક્યાંક એકથી વધુ જનીનની ખામીથી થતાં રોગો વ્યક્તિના વિકાસ, મેટાબોલિઝમ, લોહીની ગુણવત્તા જેવા અનેક સ્વાસ્થ્યમાં બાધા કરતાં રોગો વિશે આધુનિક વિજ્ઞાન – સંશોધનાત્મક પરિક્ષણ, નિદાન અને શક્ય તેટલા ઉપચાર વિશે માર્ગદર્શન કરે છે.
• સ્વયંને વારંવાર થતાં રોગ, પરિવારના અન્ય સભ્યોને થતાં રોગો વારસાગત રોગ જ છે એવું માની બેસી ઉપચાર ઉપાય ન કરવો અથવા અન્ય વ્યક્તિના ઉપચારથી પોતાનો ઇલાજ કરવાના પ્રયત્નો કરવાથી બચવું.
અનુભવસિદ્ધ
ડોક્ટર સાથે વિગતથી સ્વયંને થતી શારીરિક માનસિક તકલીફને કારણે જો કોઈ રોગનો ડર કે આશંકા હોય તો તે વિશે ખુલ્લા મનથી જણાવી સમાધાન મેળવવું એ દવા જેટલું જ જરૂરી છે.

LEAVE A REPLY