વિશ્વવંદનીય પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે શરૂ થઇ ગયો છે. વિશ્વભરમાંથી હરિભક્તો ઉમટી રહ્યા છે. હરિભક્તો ઉપરાંત ટોચના ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ સહિતના મહાનુભાવો આ વિરાટ આધ્યાત્મિક મહોત્સવમાં ભાગ લઇને અલૌકિક આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. આગામી 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવનું બુધવાર, 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂ. મહંતસ્વામીએ સૌ હરિભક્તોને આશીર્વચન પણ પાઠવ્યા હતા.
મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂ. મહંત સ્વામી, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા અને ત્યાર બાદ આ સ્ટેજે અડધો કિલો મીટર સુધી આગળ વધીને પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ પ્રયાણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પૂજ્ય પ્રમુખ સ્વામીની ચરણ વંદના કરી હતી.
અનોખી આધ્યાત્મિક નગરીના મુખ્ય પ્રવેશદ્વારે બાળકોએ પરંપરાગત વેશભૂષા અને નૃત્ય સાથે વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું. વિશેષ રીતે તૈયાર કરાયેલા સ્ટેજ પર વડાપ્રધાન અને પૂ. મહંતસ્વામી બિરાજમાન થયા હતા.
પૂજ્ય પ્રમુખ સ્વામીની ચરણ વંદના કર્યા પછી વડાપ્રધાન મોદીએ પૂ. પ્રમુખસ્વામી નગરનું પરિભ્રમણ કર્યું હતું. તેમણે ગ્લો ગાર્ડન, વિવિધ પ્રદર્શનો, બાળનગરી, યજ્ઞ શાળા, ભજન શાળા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે સમગ્ર વિશ્વ અને ભારતનાં અનેક પ્રાંતમાંથી ખૂબજ મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદ સહિત અન્ય શહેરમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
છેલ્લા વર્ષથી સમગ્ર વિશ્વભરમાં આ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં ઓગણજ વિસ્તારમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ભવ્યતા આ દિવ્ય મહોત્વસની ઉજવણી ચાલશે.
અદભૂત, અલૌકિક પૂ. પ્રમુખસ્વામી મહારાજનગરમાં અઘ્યાત્મ્ય અને આનંદનો સંગમ થયો છે
પૂ. પ્રમુખસ્વામી મહારાજ નગરની અનેક વિશેષતાઓ અહીં નોંધપાત્ર છે. મહોત્સવ સ્થળે અદભૂત રંગબેરંગી ડિઝાઈન તેમજ પ્રેરક સંદેશ સાથે તૈયાર કરવામાં આવેલ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન એટલે કે ગ્લો ગાર્ડન 2100 સ્વયંસેવકોની દિવસ-રાતની મહેનતથી અદભૂત રીતે સજાવવામાં આવ્યો છે. 10 એકર વિસ્તારમાં ફેલાયેલા આ ગ્લો ગાર્ડનમાં અંદરથી પ્રકાશિત થાય તેવાં, સ્વયંસેવકોએ હાથે બનાવેલાં વિશાળ કદનાં આઠ હજારથી વધુ ફૂલો ઝગમગી ઊઠ્યાં છે.
કુલ 2100થી વધુ સ્વયંસેવકોએ છેલ્લાં 6 મહિનાથી વધુ સમય મહેનત કરીને આ ગ્લો ગાર્ડન વિકસાવ્યું છે. ગ્લો ગાર્ડનમાં 150થી વધુ વિવિધ સંદેશાઓ લઈને જાત મહેનતથી રચવામાં આવેલ વિશાળકાય પ્રાણીઓ, પક્ષીઓ વગેરે સૌની આંખોને જકડી રાખશે. ગ્લો ગાર્ડન પ્રકૃતિમાં શ્રદ્ધા, પરમાત્મામાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, રાષ્ટ્રમાં શ્રદ્ધા અને વિશ્વમાં શ્રદ્ધા જેવા વિષયોની રચનાત્મક પ્રસ્તુતિ કરે છે.
મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે.
શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, શ્રી નરસિંહ મહેતા, શ્રી મીરાંબાઈ તેમજ શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.
મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલ પૂ. પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પૂ. પ્રમુખસ્વામી મહારાજના અદભૂત પ્રેરક પ્રસંગો છે. જેમાં ચોવીસેય કલાકોની પ્રસ્તુતિ દર્શનીય છે. આ વર્તુળની રંગબેરંગી ફૂલોની શોભતી રચનાઓ પણ આહલાદક છે.
દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હૂબહૂ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલ 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મના દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ – અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન રાધા-કૃષ્ણ, ભગવાન સીતા-રામ, ભગવાન ઉમા-મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓનાં દર્શન કરીને લાખો લોકો શ્રદ્ધા દૃઢાવશે.
આ ઉપરાંત આ મંદિરના મંડોવર અને સ્તંભોમાં 48 ગણપતિજી, 104 ઋષિમુનિ-સંતો-ભક્તોની કલાત્મક મૂર્તિઓ શોભે છે. મહોત્સવના વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં 180 ફૂટ પહોળા મંચ પર 300 થી વધુ કલાકાર બાળકો-યુવકો પ્રસ્તુતિ કરશે, જેને એક સાથે 20,000 કરતા વધુ પ્રેક્ષકો ખુલ્લા સભાગારમાં બેસીને માણી શકશે.
મહોત્સવ સ્થળે રચાયેલા 5 વિશાળ અને પ્રભાવક પ્રદર્શન ખંડોમાં પાંચ વિવિધ થીમ દ્વારા પ્રેરણાઓ આપવામાં આવશે.
જેમાં टूटे हृदय, टूटे घर પ્રદર્શન પારિવારિક સંવાદિતાની દિશા ચીંધે છે. चलो, तोड दें ये बंधन પ્રદર્શન વ્યસનોના બંધનમાંથી મુક્ત થવાની પ્રેરણા આપે છે. मेरा भारत, हमारा भारत પ્રદર્શન ભારતના ગૌરવની વાત માંડે છે. संत परम हितकारी પ્રદર્શન પૂ. પ્રમુખસ્વામી મહારાજની વિરલ પ્રતિભાનું દર્શન કરાવે છે. અહીં આઠ લાખ બબલ્સમાંથી રચાયેલી પૂ. પ્રમુખસ્વામી મહારાજની કલાત્મક મૂર્તિ અનોખું આકર્ષણ જન્માવે છે.
સહજાનંદ જ્યોતિ મંડપમમાં ભગવાન સ્વામિનારાયણની રોમાંચક જીવનયાત્રા સાથે જ્યોતિ ઉદ્યાનના ઝળહળાટને પણ સૌ માણી શકશે.મહોત્સવ સ્થળે ઠેર ઠેર સંડાસ-બાથરૂમના કુલ 125 કરતાં વધુ પાકાં બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેના નિર્માણથી માંડીને સ્વચ્છતા સુધીની સેવાઓમાં વિવિધ ડિગ્રીધારી 2200થી વધુ સ્વયંસેવકો જોડાયા છે.