વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ૧૮ જૂને શતાયુમાં પ્રવેશ કરશે. માતાના 100માં જન્મદિનના પ્રસંગે વડાપ્રધાન મોદી ગુજરાતના ગાંઘીનગર ખાતે આવીને મોદી માતાના આશીર્વાદ લેશે. વડાપ્રધાન મોદી ૧૭ જૂને મોડી સાંજે નવી દિલ્હીથી વિશેષ વિમાન મારફતે અમદાવાદ આવી પહોંચશે અને રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે. વહેલી સવારે માતાને મળવા રાયસણ જશે.
મોદીના વતન વડનગરમાં માતા હીરાબાના શતાયુ પ્રવેશ નિમિત્તે વિવિધ પ્રકારની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ૧૮મીએ માતા હીરાબાના દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્ય માટે સુંદરકાંડ, શિવ આરાધના અને ભજનસંધ્યાનો ત્રીવેણી સંગમ યોજાશે. વડનગર હાટકેશ્વર મહાદેવ પરિસરમાં સાંજે ૭.૩૦ વાગ્યાથી ભક્તિ સંગીત સંધ્યાનો ત્રિવેણી સંગમ યોજાવાનો છે. પ્રસિદ્ધ ગાયિકા અનુરોધા પોંડવાલ શિવ આરાધના પ્રસ્તુત કરશે. હાટકેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન તથા સમસ્ત વડનગરના નગરજનો દ્વારા આ સમગ્ર ઉજવણી થશે. જોકે, વડાપ્રધાન આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના નથી.
૧૮ જૂનના રોજ માતા હીરાબાના આશીર્વાદ લઇને તેઓ સીધા પાવાગઢ પહોંચશે. પાવાગઢની ઉપલી ટોચ પર નવા રોપ વેના લોકાર્પણ સાથે મહાકાળી માતાના મંદિરે પૂજનઅર્ચન કરશે. ત્યાર બાદ વડોદરા પહોંચશે. અહીં માતૃશક્તિ, આદિજાતિમાં પોષણ સુધા યોજના લોન્ચ કરવા સાથે અંદાજે રૂ.૧૮૦૦૦ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે તથા જંગી જાહેર સભાને સંબોધશે.