’gov.in’ સાથેની ઓછામાં ઓછી 3000 જેટલી ઇ-મેઇલ આઈડી હેક થતાં ખળભળાટ સર્જાયો છે. આ ઇ-મેઇલ આઈડી દેશની ઇસરો, વિદેશ મંત્રાલય, સેબી જેવી અત્યંત મહત્વની સરકારી સંસ્થાઓની હોવાનું અને તે હેક કરીને તેના પાસવર્ડ ચોરી કરી લેવાતા હોવાનું બહાર આવ્યું છે. હવે આ પાસવર્ડ ડીપ અને ડાર્ક પર લીક થયેલા ઇ-મેઇલના ડેટાબેઝમાં પ્લેઇન-ટેકસ્ટ સ્વરુપે ઉપલબ્ધ છે.
જે સરકારી સંસ્થાઓના ઇ-મેઇલ આઇડી હેક થયા છે તેમાં ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર, ઇસરો, વિદેશ મંત્રાલય, કંપની બાબતોના મંત્રાલય, એટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ, સેબી ઉપરાંત અન્ય એક મંત્રાલયોના ઇ-મેઇલ આવેલ છે. ઓછામાં ઓછા 20 સરકારી સંસ્થાઓના અધિકારીઓના ઇ-મેઇલ હેક કરવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં વર્તમાન અને પૂર્વ રાજદૂત, ઇસરોનાં નિવૃત-પૂર્વ વૈજ્ઞાનિક, રાજ્ય સરકારોનાં સીનીયર અમલદારો, સ્વાયત સંગઠનોનાં અધિકારીઓ સામેલ છે.
ડેટાબેઝ સુધી પહોંચી શકતા સાયબર સિક્યુરીટી નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે જે ઇ-મેઇલ આઈડી હેક થયા છે તેની પેટર્ન એકસમાન છે. તમામ ઇ-મઇલ આઇડીના પાસવર્ડ નબળા હતા. ઇ-મેઇલની હેક થયેલી માહિતી બહારના લોકો પાસે પહોંચી ગઇ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. ઇ-મેલથી કોઇ માહિતી ચોરી લેવામાં આવી છે કે, કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ કરવામાં આવી છે.
દેશમાં અત્યાર સુધીમાં આ સૌથી મોટા સાયબર હુમલાથી ખળભળાટ સર્જાવા સાથે સરકારની સાયબર સુરક્ષાને લઇને ચિંતા વધી ગઇ છે. હેકરો દ્વારા ખાસ કરીને ટેકનોલોજી તથા રિસર્ચ ક્ષેત્રમાં કામ કરી રહેલા વૈજ્ઞાનિકોના ઇ-મેઇલને નિશાન બનાવવામાં આવી છે, તે સરકાર માટે સૌથી મોટી ચિંતા છે. તમામ ઇ-મેઇલ આઈડીને ફીશીંગ મેઇલ મારફત નિશાન બનાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
સરકારી સંસ્થાનો તથા અધિકારીઓ ડીજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જરુરી સુરક્ષા માપદંડો પ્રત્યે બેદરકાર હોવાનું સામે આવી રહ્યું છે. આ પૂર્વે ગત નવેમ્બરમાં એવી સાબીતી મળી હતી કે, 3 સપ્ટેમ્બર રોજ ઉતર કોરીયાના હેકરોએ કુડનકુલમ અણુઉર્જા પ્લાન્ટ પર સાયબર હુમલો કરીને મહત્વની માહિતીની ચોરી કરી હતી.
સરકારી અધિકારીઓ સંવેદનશીલ માહિતી ધરાવતા હોવા છતાં બેદરકાર હોવાનું ઇ-મેઇલ હેકિંગ ઘટનાક્રમથી સુચવાય રહ્યું છે. મોટાભાગના કિસ્સામાં પાસવર્ડ નબળા હોવાનું જણાયું છે. હેક થયેલી ઇ-મેઇલ આઈડી અનેક ડેટાબેઇઝ પર ઉપલબ્ધ હોવાનું બહાર આવ્યું છે. સેંકડો ઇ-મેઇલ આઈડીના પાસવર્ડ અત્યંત સરળ-સાદા અને આંકડા આધારિત હતા જે સાયબર સિક્યુરીટી માટે અત્યંત નબળા જણાય છે.
સાયબર એટેકની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, હેકરોના નિશાના પર ચોક્કસ ઇ-મેઇલ આઈડી જ હતા. વૈજ્ઞાનિકો, ખાસ કરીને અણુ વૈજ્ઞાનિકો નિશાન બનાવવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું છે. સૌથી વધુ હેકિંગ અનુસંસ્થાનો તથા રિસર્ચ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનાં ઇ-મેઇલમાં થયું છે. ઇન્દીરા ગાંધી સેન્ટર ફોર એટોમીક રિસર્ચ, ભાભા અણુ સંશોધન કેન્દ્ર, ઇસરોના વૈજ્ઞાનિકોના ઇ-મેઇલ નિશાન બન્યા છે.