અમેરિકાના સાઉથ ફ્લોરિડામાં તોફાની વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. સતત વરસાદના કારણે અચાનક પૂરથી હોલિવૂડ, ફોર્ટ લોડરડેલ જેવા શહેરો અને બ્રોવર્ડ કાઉન્ટી રીજન પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ફોર્ટ લોડરડેલમાં ગણતરીના કલાકોમાં અંદાજે 12 ઇંચ વરસાદ ખાબકતા શહેરના એરપોર્ટને બંધ કરવાની ફરજ પડી હતી.
બ્રોવર્ડ કાઉન્ટી રીજનમાં હાઇ-સ્પીડ કમ્પ્યુટર રેલ સર્વિસ બંધ કરવી પડી હતી. શહેરના સત્તાવાળાઓએ પાણી ઓછું ન થાય ત્યાં સુધી રહેવાસીઓ અને મુલાકાતીઓને રસ્તાઓથી દૂર રહેવાનો અનુરોધ કર્યો હતો. પોલીસ અને ફાયર રેસ્ક્યુને બચાવ કામગીરી માટે અનેક કોલ આવ્યા હતા. પબ્લિક વર્ક્સ સ્ટાફે શક્ય તેટલી ઝડપથી પાણીને ઓછું કરવા માટે પંપો લગાવ્યા હતા. નેશનલ વેધર સર્વિસે ફોર્ટ લોડરડેલ અને અન્ય વિસ્તારો માટે ગુરુવાર વહેલી સવાર સુધી ફ્લડ ઈમર્જન્સી જારી કરી હતી.
આ વિસ્તારમાં બુધવાર પછીથી 14 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. હોલીવૂડના મેયર જોશ લેવીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અગાઉથી વરસાદ પડી રહ્યો છે. અમારા સમગ્ર શહેરમાં અને સમગ્ર સાઉથ ફ્લોરિડામાં વિનાશક પૂર છે. ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઘણાં વાહનો અટવાઈ ગયા છે. લેવીએ જણાવ્યું હતું કે હું મારું સમગ્ર જીવન અહીં જીવ્યો છું. મેં અત્યાર સુધી જોયેલું આ સૌથી ગંભીર પૂર છે. ફ્લોરિડામાં બુધવારે રાત્રે 22,000થી વધુ ઘરોમાં વીજળી પૂરવઠો ખોરવાયો હતો. બ્રોવર્ડ કાઉન્ટીની તમામ પબ્લિક સ્કૂલો ગુરુવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
બુધવારથી ચાલુ થયેલા અવિરત વરસાદથી એરપોર્ટને તમામ ફ્લાઇટ્સ માટે બંધ કરાયું હતું. એરપોર્ટમાં પ્રવેશતા અને બહાર નીકળતા મુખ્ય માર્ગો પાણીથી ભરાઈ ગયા હતા. મિયામીમાં નેશનલ વેધર સર્વિસે હોલીવુડ અને ડેનિયા બીચની આસપાસના વિસ્તારો સાથે ફોર્ટ લોડરડેલ માટે બુધવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ ફ્લડ ઇમર્જન્સી જાહેર કરી હતી.