ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં અસાધારણ ભારે વરસાદ અને તેનાથી આવેલા અચાનક પૂરથી જૂન મહિના પછીથી અત્યાર સુધી આશરે 1,000થી વધુ લોકોના મોત થયા છે અને લાખ્ખો લોકો બેઘર બન્યા છે. આ કુદરતી આપત્તિમાં આશરે 5 લાખ પશુધન મરણ પામ્યા છે અને નાણાભીડનો સામનો કરી રહેલા અર્થતંત્રને આશરે 4 બિલિયન ડોલરનો જંગી ફટકો પડ્યો છે. આ આપત્તિની સૌથી વધુ અસર સિંધ અને બલુચિસ્તાનને થઈ છે અને તેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરાઈ છે.
રિસર્ચ રીપોર્ટમાં જણાવ્યા મુજબ વાસ્તવિક અસરની ચકાસણી કરવાનું હજુ વહેલું છે,પરંતુ જીડીપીમાં 23 ટકા હિસ્સો આપતા કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન થયું છે. મધ્ય જૂન પછી આશરે 1000 લોકો મોતને ભેટ્યા છે અને અનેક લોકો બેઘર બન્યાં છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું રાહત અને બચાવ ટીમો માટે મુશ્કેલ બન્યું છે.
આ કુદરતી આપત્તિથી પાકિસ્તાનની આયાતમાં વધારો થશે અને ફુગાવો વધુ ઊંચે જશે. અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન હાલમાં આર્થિક કટોકટી જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. જે એસ ગ્લોબલ રિસર્ચના રીપોર્ટ મુજબ પ્રાથમિક અંદાજ મુજબ ચાલુ ખાતાની ખાધમાં 4.4 અબજ ડોલર (જીડીપીના એક ટકા)નો વધારો થશે. આ સ્થિતિમાં સરકારે 2.6 અબજ ડોલરના કોટન અને 90 કરોડના ઘઉંની વધારાની આયાત કરવાની ફરજ પડશે. વિનાશક પૂરને કારણે ડુંગળી, બટાટા જેવી આવશ્યક ચીજવસ્તુઓને અછત ઊભી થવાની ધારણા છે. ભારે વરસાદથી કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. ગયા વર્ષ 80 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું અને આ વર્ષે ફરી નબળો પાક ઉતરશે. બીજી તરફ પાકિસ્તાનની ટેક્સટાઇલ નિકાસને પણ અસર થશે.
અચાનક આવેલા પૂરના પાણીને ઓસરતા બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. તેથી ઘઉં અને તેબિલિયાના વાવેતરમાં પણ વિલંબ થશે. ઘઉંના વાવેતરમાં વિલંબથી ખેડૂતોને બેવડો ફટકો પડશે, કારણ કે ઘણા ખેડૂતો ઘઉંની જગ્યાએ તેલિબિયાંને પાક તરફ વળ્યા છે.