ભારે વરસાદને કારણે ન્યૂયોર્ક રાજ્યમાં રવિવારે વિનાશક પૂર આવતા રાજ્યના ગવર્નરે ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. શેરીઓમાં પૂરના ધસમસતા પાણી ફરી વળ્યાં હતા અને અનેક બ્રિજ ધોવાઈ ગયા હતા. અનેક લોકો પોતાના ઘર અને વાહનોમાં ફસાયા હતાં.
હડસન વેલીમાં પોતાના કૂતરા સાથે ઘર છોડવાનો પ્રયાસ કરતી વખતે એક મહિલા અચાનક આવેલા પૂરમાં તણાઈ ગઈ હતી અને તેનું મોત થયું હતું. ગવર્નર કેથી હોચુલે ન્યૂયોર્ક સિટીના ઉત્તરપશ્ચિમ વિસ્તાર, ઓરેન્જ કાઉન્ટી અને ઓન્ટારિયો કાઉન્ટીમાં ઇમર્જન્સીની સ્થિતિ જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આઠ ઇંચ (200 મીમી) સુધીના વરસાદથી આવેલા ફ્લેશ ફ્લડને કારણે જીવન માટે જોખમી સ્થિતનું નિર્માણ થયું છે. આપણે આફતના એક નિર્ણાયક તબક્કાની નજીક આવી ગયાં છે.
રવિવાર સાંજ સુધીમાં, 12,000થી વધુ ગ્રાહકોના ઘરમાં વીજળી ગૂલ થઈ હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને લોકો તેમની કાર અને ઘરોમાં ફસાયા હતા. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે તેને “પૂર્વીય ઓરેન્જ કાઉન્ટીમાં પૂર અને લોકો વાહનોમાં ફસાયા હોવાના અનેક અહેવાલો મળ્યાં હતા.