હવામાન વિભાગે 7 સપ્ટેમ્બરથી અમદાવાદ સહિતના ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બુધવારથી બુધવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં ચોમાસાની આ સીઝનમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે અને હવે નવો રાઉન્ડ ચાલુ થવાની ધારણા છે.
અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે. ગુરુવારથી નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 7 સપ્ટેમ્બરના રોજ સરક્યુલેશન સક્રિય થશે. 8મી સપ્ટેમ્બરના રોજ લો પ્રેશર સક્રિય થશે અને રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.
બુધવારે દમણ, દાદરાનગર હવેલી, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.ગુરુવારે તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે.