(PTI Photo)

ભારતના મોટાભાગના રાજ્યોમાં ગયા સપ્તાહે તીવ્ર હીટવેવને કારણે કાળઝાળ ગરમી પડી હતી. દેશના 37 શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું હતું. રાજસ્થાનનું ફલોદી સતત બીજા દિવસે દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જ્યાં મહત્તમ તાપમાન 49.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એક દિવસ પહેલા શહેરમાં 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે 1 જૂન, 2019 પછી દેશમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે.

રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ગુજરાત માટે ગરમીનો રેડ એલર્ટ જારી કરાયો હતો. રાજસ્થાનમાં છેલ્લા ત્રણ દિવસમાં ગરમીથી સંબંધિત અનેક મૃત્યુ નોંધાયા હતા.

સત્તાવાર ડેટામાં જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછા 37 સ્થળોએ રવિવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ નોંધાયું હતું. દિલ્હીમાં ઓછામાં ઓછા આઠ સ્થળોએ મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું, જેમાં મુંગેશપુર અને નજફગઢમાં અનુક્રમે 48.3 ડિગ્રી સેલ્સિયસ અને 48.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હરિયાણાના નારનૌલમાં 47 ડિગ્રી અને પંજાબના ફરીદકોટમાં 47.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. કાળઝાળ ગરમીને કારણે મહારાષ્ટ્રના અકોલામાં વહીવટીતંત્રને 31 મે સુધી ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 144 લાદી હતી

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં ભીષણ ગરમીને પગલે ગુરુવારે શંકાસ્પદ હીટ સ્ટ્રોકને કારણે પાંચ લોકોના મોત થયા હતાં. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે આગામી આદેશ સુધી તમામ વિભાગીય કમિશનરો, વધારાના વિભાગીય કમિશનરો, જિલ્લા કલેક્ટર, અધિક જિલ્લા કલેક્ટર અને સબ ડિવિઝનલ અધિકારીઓની રજાઓ રદ કરી હતી.

LEAVE A REPLY