ભારતના મોટાભાગના રાજ્યોમાં છેલ્લાં કેટલાક દિવસથી આક્રમક ગરમીના કારણે જનજીવન આંશિક રીતે ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, આવનારા ચાર-પાંચ દિવસ સુધી હીટવેવનો અનુભવ થશે. રાજસ્થાનના બાડમેરમાં ગુરુવારે દેશનું આ વર્ષનું સૌથી વધુ 48.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીથી દેશમાં જુદા-જુદા સ્થળોએ 10 લોકોના મોત થયા હતા. સાઉથ ઇન્ડિયામાં વરસાદના કારણે પાંચ લોકો મોતને ભેટ્યા છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ તથા હરિયાણા સહિત ઓછામાં ઓછાં 16 શહેરોમાં ગુરૂવારે તાપમાનનો પારો 46 ડિગ્રી કે તેથી વધુ નોંધાયો હતો. હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશ માટે ‘રેડ’ વોર્નિંગ ઇસ્યુ કરી હતી. આ રાજ્યોમાં રાત્રે પણ તાપમાન ઊંચુ રહેવાથી લોકો પરેશાન હતા. ગુરુવારે રાજસ્થાનના ચુરુમાં 47.4 ડિગ્રી, ફલોદીમાં 47.8 તથા જેસલમેરમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મધ્યપ્રદેશમાં સૌથી વધુ 46.6 ડિગ્રી તાપમાન ગુનામાં નોંધાયું હતું. અમદાવાદમાં 45.9 ડિગ્રી, ઉત્તરપ્રદેશના ઓરાઈમાં 45 ડિગ્રી તથા પંજાબના ભટિંડા અને હરિયાણાના સિરસામાં 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.