હવામાન વિભાગે 21 ફેબ્રુઆરી સુધી ગુજરાતના કેટલાંક વિસ્તારો તથા મહારાષ્ટ્ર ગોવામાં હેટવેવ જેવી સ્થિતિની આગાહી કરી હતી. ગુજરાતમાં હાલમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે, બપોરે ગરમી અને મધ્યરાત્રિ બાદ ઠંડીનો અનુભવ થાય છે. રાજ્યમાં આશરે 50 વર્ષ પછી પહેલીવાર ફેબ્રુઆરીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ એમ મોહપાત્રાએ જણાવ્યું હતું કે દેશના પશ્ચિમ ભાગોમાં મહત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિ ખાસ કરીને ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તીવ્ર છે, જ્યાં ઘણી જગ્યાએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 8 ડિગ્રી વધારે છે.
રવિવારે ભુજમાં તાપમાન 38.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 9 ડિગ્રી વધારે હતું; નલિયામાં 35.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 6 ડિગ્રી વધુ હતું. રાજકોટમાં 39.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે સામાન્ય કરતાં 9 ડિગ્રી વધુ હતું. અમદાવાદ 38.2 હતું, જે સામાન્ય કરતાં 7 ડિગ્રી વધુ હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી આસપાસ રહેશે તો અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે.
શિવરાત્રી પહેલા જ ગુજરાતભરમાંથી શિયાળાએ વિધિવત્ રીતે વિદાય લીધી હોય તેમ લાગે છે. તાપમાન એકાએક 38થી 40 ડિગ્રીની આસપાસ પહોંચતા બપોરથી સાંજના સમયે ઉકળાટનો પણ અનુભવ થાય છે. ઋતુ બદલાવાના કારણે લોકોમાં શરદી-ઉધરસ અને તાવની સમસ્યા વધી રહી છે. ડોક્ટરો પણ ઉનાળાની શરૂઆત થતાં જ કામ વગર ઘર બહાર ન નીકળવા અને જો બહાર જવું પડે તેમ હોય તો શરીર ઢંકાઈ તેવા ખુલ્લા વસ્ત્રો પહેરવાની સલાહ આપે છે.