ઉત્તરભારતમાં ભીષણ હીટવેવની અસરથી રવિવાર, 14મેએ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ઉષ્ણતામાન 49 ડિગ્રી સેલ્શિયસે પહોંચ્યું હતું. બીજી તરફ હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપીને પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યો હતો.
દિલ્હીમાં મુંગેશપુર અને નજફગઢ વિસ્તારની ઓબર્ઝર્વેટરીમાં અનુક્રમે 49.2 અને 49.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સફદરગંજમાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આ સિઝનનું આ વિસ્તારનું હાઇએસ્ટ છે. ઉત્તરપ્રદેશના બુંદેલખંડના બાંદા જિલ્લામાં રવિવારે 49 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું હતું, જે રાજ્યનું સૌથી ઊંચું હતું. અગાઉ આ જિલ્લામાં 31 મે 1994ના રોજ મહત્તમ 48.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજસ્થાનના ચુરુ અને પિલાણીમાં અનુક્રમે 47.9 અને 47.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત શ્રીગંગાનગર અને ઝાંખીમાં મહત્તમ 47.7, ખજુરાહોમાં 47.4 અને હિસ્સારમાં 47.2 ટકા ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે હિમાચલપ્રદેશ, હરિયાણા, દિલ્હી, જમ્મુ, કાશ્મીર, લડાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, ઉત્તરાખંડ, પંજાબ અને બિહારના કેટલાંક સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 5.1 ડિગ્રી વધુ રહ્યું હતું.