ઉત્તર-પશ્ચિમના ગરમ પવનોને કારણે ગુજરાતમાં ફરી ગરમીનો પારો વધ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં 8-9 મેએ મહત્તમ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરીને પાંચ દિવસ સુધી તાપમાન 41થી 44 ડિગ્રી રહેવાની આગાહી કરી હતી. છેલ્લાં બે દિવસથી હીટવેવની અસરને કારણે ગુજરાતના 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 14 મે સુધી ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે, જેની અસરથી ગરમીમાં ફરી વધારો થયો છે.
કાળઝાળ ગરમીને કારણે અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં ટ્રાફિક પોલીસે કેટલાંક સ્થળોએ બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદમાં આશરે 60 ટ્રાફિક સિગ્નલ બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રહેશે એટલે કે સિગ્નલ પર વાહનચાલકોએ ઊભા નહીં રહેવું પડે. જ્યારે લાંબો સમય માટે જે સિગ્નલ પર ઊભા રહેવાની જરુર હોય ત્યાં સમય ઘટાડવામાં આવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર શહેરમાં હાલ 300 જેટલા ટ્રાફિક સિગ્નલો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કેટલાક ઠેકાણે માવઠાની આગાહી કરી હતી. શનિવારે રાજ્યમાં 41.8 ડિગ્રી સાથે ભૂજ સૌથી વધુ ગરમ રહ્યું હતું. જ્યારે તે પછી અમરેલી, જુનાગઢ, ગાંધીનગર, વડોદરા, સુરતમાં પણ સરેરરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સુરતમાં મે મહિનામાં પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હોય તેવું બે વર્ષ બાદ પ્રથમવાર બન્યું છે.
છેલ્લા ૧૦ વર્ષના મે માસની ગરમીના આંકડો જોઇએ તો મે માસમાં ૪૪ ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય છે. જે તાપમાન આ વર્ષે એપ્રિલમાં જોવા મળ્યું હતું. મે માસનું ઓલટાઇમ હાઇએસ્ટ તાપમાન 2016માં તારીખ 20મી મેના રોજ 48 ડિગ્રી નોંધાયું છે. આ વર્ષે એપ્રિલ માસમાં 44 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. જે પણ એપ્રિલ મહિનામાં છેલ્લા 10 વર્ષનું રેકોર્ડબ્રેક તાપમાન છે.આ સાથે સુરત શહેરમાં ગરમ પવન સક્રિય થતા એક જ દિવસમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રી વધી ગયો હતો.