(ANI Photo/ Rahul Singh)

ગુજરાતમાં સોમવાર, 20મેથી સતત સાત દિવસ સુધી હીટવેવને કારણે ભીષણ ગરમી પડી હતી. અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પારો 45થી 47 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચો રહ્યો હતો. હીટવેવના કારણે રાજ્યમાં હીટસ્ટ્રોક અથવા ગરમીથી પ્રેરિત બિમારીઓને કારણે એક ડઝનથી વધુ લોકોના મોત થયાં હોવાનો અંદાજ છે, જોકે સત્તાવાળાએ તેને ગરમી સંબંધિત મોત હોવાની પુષ્ટી આપી ન હતી. હવામાન વિભાગના આંકડાઓ મુજબ અમદાવાદમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ગરમીએ છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડતા શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જ્યારે અમદાવાદ એરપોર્ટ પર 47.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

શુક્રવારે, અમદાવાદ શહેરમાં બે અને અમદાવાદ જિલ્લામાં એક વ્યક્તિનું હીટસ્ટ્રોકથી મોત નીપજ્યું હતું. અમદાવાદમાં ગુરુવારે મહત્તમ પારો 46.7 પર પહોંચતા શહેર અને જિલ્લો આકરી ગરમીમાં શેકાયા હતા. આ ઉપરાંત ગરમી સંબંધિત બિમારી અને હાર્ટએટેકથી છેલ્લા એક સપ્તાહમાં વડોદરા, સુરત, જામનગર, રાજકોટ અને મોરબીમાં મોત થયાા હતા. મૃત્યુનું કારણ હીટસ્ટ્રોક અથવા ગરમી સંબંધિત બીમારી અથવા હાર્ટ એટેક હોવાનું નોંધવામાં આવ્યું હતું.

આરોગ્ય મંત્રાલય હીટસ્ટ્રોક અને હીટ સંબંધિત મૃત્યુની પુષ્ટિ કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડે હતી. મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં ગરમીને લગતી બિમારીઓના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ગુરુવારે એકલા અમદાવાદ શહેરમાં જ લગભગ 100 ઈમરજન્સી કોલ આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું હતું કે હીટવેવને કારણે હીટસ્ટ્રોક અથવા ડિહાઇડ્રેશનને લગતા ઇમરજન્સી કેસ આવી રહ્યા છે.

રાજ્ય સરકારે ગરમીના કારણે મૃત્યુ વિશે કોઈ નિવેદન આપ્યું નથી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) જેવી સ્થાનિક નાગરિક સંસ્થાઓએ નાગરિકોને ઘરની અંદર રહેવા અને હાઇડ્રેટેડ રહેવા માટે સલાહ સાથે રેડ એલર્ટ જાહેર કર્યો હતો.

ભારતીય હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં 27 મે સુધી હીટવેવની સ્થિતિ માટે રેડ એલર્ટ જાહેર હતું. ગુરુવારે, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને હીટવેવ સામે સાવચેતી રાખવા અને સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીના પીક અવર્સ દરમિયાન બહાર ન નીકળવા અને હાઇડ્રેશન લેવલ જાળવવા અનુરોધ કર્યો હતો. આરોગ્ય વિભાગે તમામ જિલ્લા સિવિલ હોસ્પિટલોને દર્દીઓના ધસારાને કારણે ચોવીસ કલાક સેવાઓ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો. વિપક્ષ કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને મૃતકોને રાજ્ય આપત્તિ રાહત ફંડમાંથી ₹4 લાખનું વળતર આપવાની માગણી કરી હતી.

અમદાવાદ સહિતના સમગ્ર ગુજરાતમાં 44થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભીષણ ગરમી પડી રહી છે. ગુરુવાર, 23મેએ સતત છઠ્ઠા દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું નોંધાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 23-24 મે દરમિયાન શહેરમાં ગરમીનો રેડ એલર્ટ જારી કર્યો હતો.મ્યુનિસિપલ કોર્પોરેશન બાંધકામ કામદારોને બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આરામ આપવાનો પણ આદેશ જારી કર્યો હતો. અગાઉના ત્રણ દિવસ માટે ગરમીનો ઓરેન્જ એલર્ટ હતો.

અમદાવાદમાં બુધવારે તાપમાન 45.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં મે મહિનામાં નોંધાયેલો આ નવમો સૌથી ગરમ દિવસ રહ્યો હતો.

LEAVE A REPLY