બ્લેકપૂલની વિક્ટોરિયા હોસ્પિટલમાં કાર્ડિયોવેસ્ક્યુલર સર્જરીના વડા તરીકે સેવા આપતા અને લેન્કેસ્ટર નજીકના થર્નહામ ખાતે રહેતા 54 વર્ષીય વરિષ્ઠ હાર્ટ સર્જન અમલ બોઝ પર હોસ્પિટલમાં સ્ટાફની છ મહિલા સભ્યો પર જાતીય હુમલો કરવાના 14 આરોપ મૂકવામાં આવ્યા છે.
હોસ્પિટલે 2023માં તેના કર્મચારીઓ સામે આચરવામાં આવેલા ગુનાઓના અહેવાલો પછી લેન્કેશાયર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક આરોપોમાં એક કરતાં વધુ કથિત ગુનાનો સમાવેશ થાય છે.
ડૉ. બોઝને 7 જૂને લેન્કેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પ્રારંભિક હાજરી આપવાની શરત સાથે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. બ્લેકપુલ ટીચિંગ હોસ્પિટલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટે જણાવ્યું હતું કે તે તપાસમાં “સંપૂર્ણ સહકાર” આપી રહ્યું છે. અમે દર્દીઓ અને તેમના પરિવારોને આશ્વાસન આપવા માંગીએ છીએ કે હોસ્પિટલ એક સુરક્ષિત અને કાળજીભર્યું વાતાવરણ છે અને સેવાઓની જોગવાઈ સામાન્ય રીતે ચાલુ રહે છે.”
ગયા વર્ષે માર્ચમાં પોલીસને આરોપોની જાણ કર્યા બાદ હોસ્પિટલે બોસને સસ્પેન્ડ કરી દીધા હતા. કથિત ઘટનાઓ 2017 અને 2022ની વચ્ચે બની હતી.