પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં 2030 સુધીમાં હૃદયરોગ સંબંધિત બિમારીને કારણે વિશ્વમાં સૌથી વધુ મોત થશે. વિશ્વમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ (સીવીડી)થી કુલ મોતમાંથી દરેક ચોથો વ્યક્તિ ભારતીય હશે, એવી જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો. સી એન મંજુનાથે ચેતવણી આપી છે.

ડોક્ટર્સની એક નેશનલ કોન્ફરન્સમાં સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે યુવાન અને મધ્યમ વયના લોકોમાં હાર્ટ સંબંધિત બિમારીઓમાં વધારો થઈ રહ્યો છે અને તે ચેતવણીજનક છે. ડો. મંજુનાથ શ્રીજયદેવ ઇન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોવાસ્કુલર સાયન્સિસ એન્ડ રિસર્ચના ડાયરેક્ટર છે. તેમણે આ સમસ્યાનો સામનો કરવા સંકલિત અભિગમની જરૂરિયાત દર્શાવી છે. આ અભિગમમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આરોગ્યપ્રદ જીવનશૈલીની ટેવોનો સમાવેશ થાય છે.

ડો. મંજુનાથની આ ચેતવણી પહેલા વિવિધ અભ્યાસમાં પણ બહાર આવ્યું છે કે હૃદય સંબંધિત બિમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ભારતમાં અને ખાસ કરીને યુવાનોમાં શ્વાસોશ્વાસની બિમારી અને હૃદય સંબંધિત બિમારીઓમાં વધારો થઈ રહ્યો છે. ઇન્ડિયન હાર્ટ એસોસિયેશનના જણાવ્યા મુજબ ભારતમાં યુવાન વયે કોઇપણ વોર્નિંગ વગર હાર્ટ સંબંધિત બિમારીઓ હુમલો કરે છે. કેટલાંક અભ્યાસમાં બહાર આવ્યું છે કે પશ્ચિમના દેશોના લોકોની સરખામણીમાં ભારતમાં હૃદયરોગ સંબંધિત બિમારીઓ 10 વર્ષ વહેલી ચાલુ થાય છે. તેના મુખ્ય કારણોમાં નિષ્ક્રીય જીવનશૈલી, ડાયાબિટીશ, શરાબના સેવનમાં વધારો, ધ્રમ્રપાન અને હાઇપરટેન્શનનો સમાવેશ થાય છે.

કેટલાંક અભ્યાસમાં બહાર આવ્યું છે કે કોરોના વાઇરસ હૃદયમાં પ્રવેશી શકે છે અને હાર્ટમાં સંક્રમણ ફેલાવી શકે છે. તેનાથી હાર્ટ એટેક આવી શકે છે. મેડિકલ ભાષામાં તેને માયઓકાર્ડિટિસ કહેવામાં આવે છે. છેલ્લાં બે વર્ષમાં આવા ઘણા કેસો નોંધાયા છે. આવા કિસ્સામાં કોરોનામાંથી રિકવર થયા બાદ દર્દીને સ્ટ્રોક આવે છે.