બ્રિટનથી સ્વતંત્ર થયેલા 56 દેશોના સંગઠન કોમનવેલ્થ દેશોના વડાં મહારાણી એલિઝાબેથ બ્રિટન ઉપરાંત અન્ય 14 દેશોના સત્તાવાર વડાં હતાં. તેઓ ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, જમૈકા, બહામાસ, ગ્રેનેડા, પપુઆ ન્યૂ ગિની, સોલોમન આઈલેન્ડ, તુવાલુ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેટ એન્ડ ગ્રેનેડિયન્સ, એન્ટીગા એન્ડ બર્મુડા, બેલિઝ, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના વડાં હતાં. જોકે, આ દેશોમાં તેમની સત્તા પ્રતીક તરીકેની હતી અને જે તે દેશના વડાં હોવા છતાં તેમની પાસે કોઇ સત્તા ન હતી.
રાજકીય સંગઠન કોમનવેલ્થ નેશન્સની રચના 1949માં થઇ હતી. તે વખતે તેના પ્રથમ વડા તરીકે મહારાણી એલિઝાબેથના પિતા અને બ્રિટનના રાજા જ્યોર્જ છઠ્ઠાની વરણી થઇ હતી. તેમના નિધન પછી મહારાણીને અને હવે કિંગ ચાર્લ્સ IIIને આ વડપણ મળ્યું છે. જો કે કેટલાક દેશો કિંગને વડા તરીકે દૂર કરવાની, રિપબ્લિક થવાની તો કેટલાક દેશો કોમનવેલ્થમાંથી નીકળવાની માંગણી કરી રહ્યા છે.