ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઇસ્વામી બે દિવસીય મુલાકાત માટે સ્કોટલેન્ડ ગયા હતા અને તેઓ સ્થાનિક રાજકીય નેતાઓ, ડાયસ્પોરા પ્રતિનિધિઓ, બિઝનેસ લીડર્સ અને યુનિવર્સિટી જૂથોના અગ્રણીઓને મળ્યા હતા અને તેમની સાથે શ્રેણીબદ્ધ બેઠકો અને ચર્ચાઓ કરી હતી. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસુફ સાથેની મુલાકાત દરમિયાન ભારતમાં આતંકવાદના આરોપમાં કસ્ટડીમાં રહેલા બ્રિટિશ શીખ જગતાર સિંહ જોહલનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસુફ દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક મુદ્દાઓના જવાબમાં, હાઈ કમિશ્નર શ્રી દોરાઇસ્વામીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’8 ગંભીર આતંકવાદી આરોપોનો સામનો કરી રહેલા જોહલને કાયદા હેઠળ યોગ્ય પ્રક્રિયા આપવામાં આવી રહી છે.’’
ભારતીય હાઈ કમિશને મીટિંગના સંદર્ભમાં ટ્વીટ કર્યું હતું કે, ‘’ફર્સ્ટ મિનિસ્ટરે હાઈ કમિશ્નરના સ્પષ્ટ સંદેશાની પણ ‘પ્રસંશા’ કરી હતી કે ભારતના બહુલવાદી અને મુક્ત લોકશાહીમાં તમામ સમુદાયોના અધિકારોની ખાતરી આપવામાં આવે છે. સ્કોટિશ નેતાઓ સાથેની ચર્ચા ફિનટેક, સસ્ટેઇનેબલ ઓગ્રીકલ્ચર, પ્રવાસન અને જળ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારત-સ્કોટલેન્ડ સહયોગને સમાવાયો હતો.
શ્રી દોરાઇસ્વામીએ સ્કોટિશ સંસદની મુલાકાત, એડિનબરા યુનિવર્સિટીમાં ‘ઇન્ડિયા@75’ વ્યાખ્યાન, સ્ટ્રેથક્લાઇડ યુનિવર્સિટીમાં વાર્તાલાપ અને વ્હિસ્કી, ઉડ્ડયન, ઊર્જા, કૃષિ, ગ્રીન ઇકોનોમી જેવા વિષયો પર અગ્રણી બિઝનેસ વડાઓ સાથે બ્રેકફાસ્ટ મીટિંગ કરી હતી.