ખાલિસ્તાન ઉગ્રવાદીઓએ ભારતીય હાઇ કમિશન પરિસરમાં તોડફોડ કર્યા પછી મંગળવાર તા. 21ના રોજ લંડનના ઈન્ડિયા હાઉસની બહાર “વી સ્ટેન્ડ બાય હાઈ કમિશન ઓફ ઈન્ડિયા” એકતા પ્રદર્શન કરતા મોટી સંખ્યામાં ઈન્ડિયન ડાયસ્પોરા સંસ્થાઓ અને તેના અગ્રણીઓ ઉમટી પડ્યા હતા. જય હિંદ, વંદે માતરમ અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે ભારતીય મૂળના લોકોએ ખાલિસ્તાની ઉગ્રવાદીઓની હરકતને નકારી કાઢી ભારત પ્રત્યેના પોતાના જોડાણની સાબિતી આપી હતી.

યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ સોમવારે સાંજે ઈન્ડિયા હાઉસ ખાતે ડાયસ્પોરા બ્રીફિંગનું આયોજન કર્યું હતું અને મિશન પર કરાયેલા હુમલા અંગે ભારતીય સમુદાયના નેતાઓને સંબોધન કર્યું હતું.

રવિવારે કરાયેલા હુમલા બાદ ગઇ કાલ બપોરથી જ “વી સ્ટેન્ડ બાય હાઈ કમિશન ઓફ ઈન્ડિયા” એકતા પ્રદર્શનમાં લોકોને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે સોશ્યલ મિડીયામાં મોટા પ્રમાણમાં સંદેશાઓ વહેતા કરાયા હતા. જેની સાબિતી મંગળવારે જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો ભારતીય ત્રિરંગા સાથે ઉમચી પડ્યા હતા અને સુત્રોચ્ચારો સાથે ભારતીય દેશભક્તિ ગીતોના તાલ સીથે ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે ભારતના રાષ્ટ્ર ગીતનું અદરપૂર્વક ગાન કરીને આદરાંજલિ આપવામાં આવી હતી. વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત હોવા છતાં કોઇ અનિચ્છનીય બનાવ વગર કાર્યક્રમ સંપન્ન થયો હતો.

બીજી તરફ મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે હુમલા અંગે તેમની તપાસ ચાલુ છે અને હિંસક અવ્યવસ્થાની શંકાના આધારે ધરપકડ કરાયેલ એક વ્યક્તિને જૂનની મધ્યમાં કોર્ટમાં હાજર થવા માટે જામીન આપવામાં આવ્યા છે.

“વી સ્ટેન્ડ બાય હાઈ કમિશન ઓફ ઈન્ડિયા” એકતા પ્રદર્શનના આયોજન પાછળની ઘણીબધી સંસ્થાઓમાંની એક સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ (FISI) UKએ  જણાવ્યું હતું કે ‘’ભારતીય ડાયસ્પોરા ઉગ્રવાદીઓ દ્વારા ભારતીય ધ્વજનું અપમાન કરવાના બનાવ અને આવી શરમજનક ઘટનાઓને રોકવા માટે નિવારક પગલાં લેવામાં યુકે સરકારની નિષ્ફળતા જોઈને અમે આઘાત અનુભવીએ છીએ.”

નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) UK એ તોડફોડની તેમની નિંદા કરવા માટે ઘણા જૂથોમાં સામેલ હતું.

આગામી બુધવારે લંડનમાં ભારતીય મિશનની બહાર ફેડરેશન ઓફ શીખ ઓર્ગેનાઈઝેશન્સ (FSO) અને શીખ યુથ જથેબંદિયા જેવા જૂથો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે. મેટ્રોપોલિટન પોલીસે સૂચવ્યું છે કે તે આયોજિત પ્રદર્શનથી વાકેફ છે અને સુરક્ષા પગલાં અપેક્ષિત છે.

LEAVE A REPLY