લંડનમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા લંડનમાં ભારતના હાઈ કમિશન પર કરવામાં આવેલા હુમલા અને ભારતના રાષ્ટ્રધ્વજના અપમાનની હુમલાની ઇનસાઇટ યુકે દ્વારા નિંદા કરી હુમલામાં સામેલ ઉગ્રવાદીઓને સામે ઝડપી અને મજબૂત પગલાં લઇ તમામ રાજદ્વારી મિશન અને કર્મચારીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા યુકે સરકારને વિનંતી કરી છે.
એક અખબારી યાદીમાં ભારતીય સંગઠન ઇનસાઇટ યુકે દ્વારા જણાવાયું હતું કે ‘’ભારતના રાષ્ટ્રીય પ્રતીક અને યુકેમાં ભારતના સાર્વભૌમ પ્રતિનિધિત્વ પ્રત્યેના અનાદરના આ શરમજનક કૃત્ય બાબતે અમે અમારી ઊંડી ચિંતા અને આક્રોશ વ્યક્ત કરીએ છીએ. લંડનમાં ભારતના રાજદ્વારી મિશન પર વારંવાર હુમલા થઈ રહ્યા છે. હિંસા અને આક્રમકતાના આવા કૃત્યો લોકશાહીના મૂલ્યોને નષ્ટ કરે છે. આનાથી ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને વેપાર પર પણ પ્રતિકૂળ અસર પડશે.’’
‘’યુકેમાં, સરકારે આતંકવાદ અને હિંસક ઉગ્રવાદનો સામનો કરવા માટે મજબૂત પગલાં લીધાં છે, જેમાં આવા જૂથોને આતંકવાદી સંગઠનો જાહેર કરવા, આવી પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી કરવી અને ઉગ્રવાદી વિચારધારાઓના ફેલાવાને રોકવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કામ કરવાના પગલાં સામેલ છે. ભારતીય હાઇ સમિશનની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની કાનૂની અને નૈતિક જવાબદારી યુકેની છે. અમે તમામ સમુદાયોને વિવિધતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે આદરને પ્રોત્સાહન આપવા અને નફરત અને વિભાજનને પ્રોત્સાહન આપવાના કોઈપણ પ્રયાસોને નકારવા પણ વિનંતી કરીએ છીએ.’’
ખાલિસ્તાન સમર્થકો દ્વારા તોડફોડ બાદ યુકેમાં ભારતીય મિશનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સોમવારે ભારતીય હાઇ કમિશન પર પોલીસની હાજરી નજરે પડતી હતી. લંડનમાં કરાયેલા હુમલા બાદ હાઇ કમિશનના બિલ્ડીંગ પર વિરાટ ત્રિરંગો ધ્વજ લહેરાવાયો હતો.