લંડનમાં એલ્વિચ વિસ્તારમાં આવેલા ભારતીય હાઈ કમિશનની બહાર ભારતના 75માં સ્વતંત્રતા દિવસે કેટલાક અલગાવવાદી જૂથોએ રવિવારે 15 ઑગસ્ટના રોજ વીજીલ અને વિરોધ વ્યક્ત કર્યો હતો. પૂર્વ આયોજિત પ્રદર્શન વખતે મેટ્રોપોલિટન પોલીસના અધિકારીઓની હાજરી નોંધપાત્ર જણાઇ હતી.
ઈન્ડિયા હાઉસની સામે દેખાયેલા કેટલાક પ્રદર્શનકારીઓએ “કિસાન મઝદુર એકતા” દર્શાવતા પ્લેકાર્ડ્સ હાથમાં લઇ ભારતીય ખેડૂતોના સમર્થનમાં સૂત્રોચ્ચારો કર્યા હતા. તો ભીડમાં કેટલાક ખાલિસ્તાની તરફી બેનરો પણ દેખાઈ રહ્યા હતા.
વંશવાદ વિરોધી સંગઠન સાઉથ એશિયા સોલિડેરિટી ગ્રુપે શનિવારે રાતભર એક નાનકડી વીજીલ રાખી રવિવારે વહેલી સવારે વેસ્ટમિન્સ્ટર બ્રિજ પરથી “રીઝાઇન મોદી” લખેલું બેનર લગાવીને સ્ટંટ કર્યો હતો. જૂથે તેના 10-પોઇન્ટનો એજન્ડા બહાર પાડ્યો હતો, જેમાં મોબ લિંચિંગ, બળાત્કાર અને હત્યા, ભારતમાં કોવિડ-19 રોગચાળાના “ગેરવહીવટ”નો સમાવેશ કરાયો હતો.
તો બીજી તરફ નેધરલેન્ડ ‘ધ લંડન સ્ટોરી’ નામની ભારતીય ડાયસ્પોરાની આગેવાનીવાળી સંસ્થાએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકશાહી મૂલ્યોના નિવેદન તરીકે રવિવારે પ્રથમ કહેવાતો ઇયુ-ઇન્ડિયા પીપલ્સ રોડમેપ બહાર પાડ્યો હતો. પીપલ્સ રોડમેપને યુરોપિયન યુનિયન (EU) માં રહેતા ભારતીય ડાયસ્પોરાના પ્રતિનિધિઓ, શિક્ષણવિદો અને માનવાધિકાર કાર્યકરો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે.