યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ દેશમાં તેમના પોસ્ટિંગની ઔપચારિક શરૂઆતને ચિહ્નિત કરીને લંડનના બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ III ને પોતાના ઓળખપત્રો રજૂ કર્યા હતા. રાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન પછી રાજા દ્વારા મહેલમાં સ્વાગત કરાયેલા દોરાઈસ્વામી પ્રથમ ભારતીય રાજદૂત છે. ગુરુવારે યોજાયેલા આ સમારોહમાં કોમનવેલ્થના મિશનના વડાઓ માટે વપરાતી ચાર ઘોડાની બગીમાં હાઈ કમિશનર દોરાઈસ્વામી અને તેમના પત્ની સંગીતાને કિંગના મહેલ સુધી લઇ જવાયા હતા.
શ્રી દોરાઈસ્વામી સાથે ડેપ્યુટી હાઈ કમિશનર સુજીત ઘોષ અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા અને હતા અને ઘોડાઓને ગાજર ખવડાવીને પ્રવાસનું સમાપન કર્યું હતું.
શ્રી દોરાઈસ્વામીએ જણવ્યું હતું કે “મહારાજ ખૂબ જ ઉષ્માભર્યા અને દયાળુ હતા, અને અમારી ક્રિયાપ્રતિક્રિયા ભારત પ્રત્યેના તેમના મહાન સ્નેહથી ભરેલી હતી. ભારત-યુકે સંબંધોને આગળ લઈ જવા માટે વિચારો, યોજનાઓ અને વિચારોને સુયોજિત કરવા માટે સક્ષમ બનવાની આ એક શ્રેષ્ઠ તક હતી.” દક્ષિણ એશિયા માટે યુકેના ફોરેન ઓફિસના સેક્રેટરી લોર્ડ તારિક અહમદે સરકાર વતી હાઈ કમિશનરને શુભેચ્છાઓ પાઠવી યુકેના પ્રવાસીઓ માટે ભારતના ઈલેક્ટ્રોનિક વિઝા (ઈ-વિઝા) સુવિધા પુનઃસ્થાપિત કરવાનું સ્વાગત કર્યું હતું.
હાઈ કમિશનરે એ વાતની પુષ્ટિ કરી હતી કે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટોનો આગળનો રાઉન્ડ ટ્રેક પર છે, યુકેના વેપાર અધિકારીઓની ટીમ આવતા અઠવાડિયે નવી દિલ્હી જવાની છે.