કોરોનાના રોગચાળાને એક વર્ષ થયું તે દરમિયાન અમેરિકા, કેનેડામાં એશિયન સમુદાયના લોકો સામે હેટક્રાઇમની ઘટનાઓમાં વધારો થયો છે. ગત વર્ષે માર્ચથી ડીસેમ્બર સુધીમાં અમેરિકામાં એશિયન અમેરિકન પેસિફિક આઇલેન્ડરો સામે હેટ ક્રાઇમની 3000 ઘટનાઓ બની હતી તેમ “સ્ટોપ એએપીઆઇ હેટ” નામની વેબસાઇટે જણાવ્યું હતું.
84 વર્ષના થાઇ પુરુષ વીચા રતન પકડીને 19 વર્ષના યુવાને ગડદાપાટુ મારી ધક્કે ચઢાવતા વૃદ્ધને થયેલી ઇજાઓ જીવલેણ નીવડી હતી. 61 વર્ષના ફીલીપીનો અમેરિકન નોયેલ ક્વીન્ટનાને ચહેરા ઉપર બંને કાનની વચ્ચે બોક્ષ કટરના ઘસરકા મરાયા હતા. 52 વર્ષની એશિયન મહિલાને પણ ધક્કે ચઢાવતાં તેને માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા.
કેનેડામાં પણ કોરોનાના રોગચાળાના પગલે એશિયનો સામે હેટ ક્રાઇમ અને વંશીય ભેદભાવની 800 ઘટના બની હતી. ચાઇનીઝ કેનેડિયન નેશનલ કાઉન્સિલના એમી ગોએ જણાવ્યું હતું કે, કેનેડામાં સાર્સ અને હવે કોરોનાને લાવવા માટે અમને દોષિત ગણવામાં આવે છે. 2020માં વાન્કુવરમાં હેટ ક્રાઇમ 97 ટકા અને એશિયન લોકો સામે હેટ ક્રાઇમની ઘટનાઓમાં 717 ટકાનો વધારો થયો હતો. ઓટાવામાં તે વધારો 57 ટકા હતો, તો મોન્ટ્રીયલમાં પણ એશિયન લોકો સામે હેટ ક્રાઇમ અનં વંશીય ભેદભાવના બનાવો 30 ટકા વધ્યા હતા.
કેલિફોર્નિયામાં 91 વર્ષના વૃદ્ધને ધક્કે ચઢાવનારા શકમંદને પકડવા કલાકારો ડેનિયલ કીમ અને ડેનિયલ વુએ 25,000 ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું. અમેરિકામાં હવે સેંકડો લોકોએ જૈફ એશિયન અમેરિકન્સને સુરક્ષિતપણે અવરજવર માટે સ્વૈચ્છિક સેવા શરૂ કરી છે. કેલિફોર્નિયામાં વંશીય ભેદભાવના શિકાર ચાઇનીઝ અમેરિકન પરિવારના ઘરની બહાર પાડોશીઓ દિવસ રાત ચોકી પહેરો કરે છે.