વિપક્ષી લેબર પાર્ટીના સંસદ અને બ્રિટિશ શીખો પર ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) ના અધ્યક્ષ – બ્રિટિશ શીખ સભ્ય પ્રીત કૌર ગિલે યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન અને કોમ્યુનિટી સેક્રેટરી સિમોન ક્લાર્કને એક સંયુક્ત પત્ર લખીને દેશમાં શીખ વિરોધી નફરતના અપરાધોમાં થયેલા વધારા પર “તાકીદની કાર્યવાહી” કરવા હાકલ કરી છે.
હેટ ક્રાઇમના તાજેતરના આંકડા અંગે જણાવ્યું હતું કે “હું આ નવા આંકડાઓથી ખૂબ ચિંતિત છું. 2021-22માં શીખો વિરુદ્ધ 301 નફરતના ગુનાઓ નોંધાયા હતા. જે 2020માં માત્ર 112 હતા. આવા અપરાધોમાં 38%ના વધારાની સરખામણીમાં 169%નો વધારો થયો છે. આ અંગે સરકારે તાત્કાલિક પગલાં લઇ APPG રિપોર્ટ્સની ભલામણોને લાગુ કરીને શીખ સમુદાયને સુરક્ષિત કરવો જોઇએ.”
તેમણે શીખ સમુદાયના નેતા અને ધર્મગુરૂ અવતાર ગિલ પર જૂનમાં માન્ચેસ્ટરમાં ઘરે જતા હતા ત્યારે કરાયેલા ક્રૂર હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. જે માટે હુમલાખોરને ત્રણ વર્ષની જેલ કરાઇ હતી.
2021-22ના હોમ ઑફિસના આંકડાઓમાં નોંધાયેલા 3,459 કેસમાં ધાર્મિક દ્વેષપૂર્ણ ગુનાઓમાં મુસ્લિમ વિરોધી અથવા ઈસ્લામોફોબિક કેસ સૌથી વધુ છે. ત્યારબાદ યહૂદી વિરોધી ગુનાઓના 1,919 કેસો, 701 ખ્રિસ્તી વિરોધી અને 161 હિંદુ વિરોધી નફરતના ગુના નોંધાયા હતા.