અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને રેસિસ્ટ લિન્ચિંગને હેટ ક્રાઇમ ગણાવતા ખરડા પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી હવે કોઇ પણ વ્યક્તિના લિન્ચિંગને હેટ ક્રાઇમ ગણાવામાં આવશે અને તેના માટે 30 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
આ ખરડાને કાયદાનું સ્વરૂપ મળતાની સાથે લિન્ચિંગ માટે સજામુક્તિના કાળા ઇતિહાસનો અંત આવ્યો છે. સંશોધકો જણાવે છે કે 1865માં ગૃહયુદ્ધના અંત અને 1950 વચ્ચે હજારો લિન્ચિંગ થયા છે અને ઘણીવાર દોષિતોને સજા પણ મળી નથી.
14 વર્ષના આફ્રિકન અમેરિકન કિશોર નામ પરથી આ બિલનું નામ ઇમેટ ટીલ રાખવામાં આવ્યું છે. ઇમેટ ટીલની 1950ના દાયકામાં ઘાતકી હત્યાથી યુએસ સિવિલ રાઇટ્સ આંદોલન જલદ બન્યું હતું.
વ્હાઇટ હાઉસ રોઝ ગાર્ડન ખાતેના કાર્યક્રમમાં બાઇડનની સાથે પ્રથમ અશ્વેત મહિલા વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ અને એન્ટી લિન્ચિંગ કેમ્પેનર ઇડા બી વેલ્સ ઉપસ્થિત રહ્યાં હતા.
બાઇડને ગુલામી પ્રથાની નાબૂદી પછી અમેરિકામાં શ્વેત લોકોના ટોળા દ્વારા થતી હત્યાના ભયાનક ઇતિહાસને યાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે લિન્ચિંગ એક સંપૂર્ણ આતંક છે. વંશિય તિરસ્કાર એક જૂની સમસ્યા નથી. તે કાયમી સમસ્યા છે અને તિરસ્કાર ક્યારેય નાબૂદ થતો નથી તે માત્ર સુષુપ્ત રહે છે. હેરિસે જણાવ્યું હતું કે લિન્ચિંગ ભૂતકાળનો અવશેષ નથી. વંશિય આતંકના કૃત્યો હજુ પણ દેશમાં થાય છે.
અમેરિકાની સેનેટે આ મહિનાના પ્રારંભમાં સર્વસંમતીથી આ બિલને બહાલી આપી હતી. ડેમોક્રેટિક સેનેટ મેજોરિટી લીડર ચક શુમેરે જણાવ્યું હતું કે એક ફેડરલ કાયદા માટે સંમતીમાં આટલો લાંબો વિલંબ અમેરિકા પરનું એક કલંક છે.
ઓગસ્ટ 1955માં ઇમેટ ટીલ દક્ષિણી રાજ્ય મિસિસિપિમાં સંબંધીઓને મળવા જઈ રહ્યો હતો ત્યારે તેનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ દિવસ પછી સ્થાનિક નદીમાંથી કિશોરનો ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ટીલની માતાએ આગ્રહ કર્યો હતો કે તેમના પુત્રનો મૃતદેહ ખુલ્લી પેટીમાં રાખવામાં આવે, જેથી દુનિયા જોઇ શકે કે શું થયું છે. આ હત્યા માટે મિસિસિપિના બે વ્હાઇટ વ્યક્તિ રોય બ્રિયાન્ટ અને જે ડબલ્યુ મિલામ સામે પોલીસ કેસ થયો હતો, પરંતુ તમામ વ્હાઇટ જ્યૂરીની કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા. આ બંને પછીથી એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું હતું કે તેમણે કિશોરની હત્યા કરી હતી.