પોતાના ભાઈની આઉડી S3 કારને પૂરઝડપે ચલાવીને રવિવાર, 21 નવેમ્બર, 2021ના રોજ સાંજે પાંચ માસના પુત્રની યુવાન માતા બલજિન્દર કૌર મૂરને વોલ્સલમાં બ્રોડવે પર અડફેટમાં લઇને મૃત્યુ નિપજાવનાર કાર ડ્રાઈવર હાશિમ અઝીઝને તેની ‘મજાક’ માટે વુલ્વરહેમ્પટન ક્રાઉન ખાતે છ વર્ષની જેલ કરવામાં આવી હતી. તેની સજાની મુદત વધારવા માટે કોલ કરવામાં આવ્યો છે.
23 વર્ષના હાશિમ અઝીઝે બલજિન્દર કૌર મૂરની કારને 62 માઇલ પ્રતિ કલાકની ઝડપે ટક્કર મારી હતી. તેની થોડીક જ ક્ષણો પહેલાં, અઝીઝ 100 માઇલ પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે’ પહોંચી ગયો હતો. અઝીઝે જોખમી ડ્રાઇવિંગ દ્વારા તેણીના મૃત્યુ માટે દોષી હોવાનું કબૂલ્યું હતું. 10 જાન્યુઆરીએ અઝીઝનો કેસ ટ્રાયલ પર ગયો હોત, તો તેને આઠ વર્ષની જેલની સજા થઈ શકી હોત. પરંતુ તેણે ગુનો કબુલ કરી લેતા તેને 25 ટકાનો પુરસ્કાર આપી યુકેની કોર્ટોની સામાન્ય પ્રથા મુજબ છ વર્ષની જેલ અને સાત વર્ષ સુધી ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો.
શ્રીમતી કૌર મૂરને માત્ર પાંચ મહિનાનો પુત્ર છે અને અકસ્માત વખતે તે તેના પતિને લેવા માટે ડ્રાઇવિંગ કરીને જતી હતી.