સ્થાનિક ચૂંટણીના પરિણામો પછી, સાંસદોએ કહ્યું “જાતિવાદી, વિભાજનકારી રાજકારણ માટે કોઈ જગ્યા નથી”
એક્સક્લુઝીવ
- બાર્ની ચૌધરી
સંસદસભ્યો અને લંડનના મેયર કહે છે કે જાતિવાદી, વિભાજનકારી રાજનીતિ જે હિંદુઓને મુસ્લિમો સામે અને ભારતીયોને પાકિસ્તાનીઓ સામે ઉભા કરી દે છે તે બંધ થવી જોઈએ. ગયા અઠવાડિયે તા. 5 મેના રોજ યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓ પછી ગરવી ગુજરાતને કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે બ્રિટિશ-ભારતીય હિંદુઓએ નોર્થ વેસ્ટ લંડનના હેરોમાં મતદાન કરતી વખતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીની ટીકા કરવાને લીધે અને કાશ્મીર પરના લેબર પક્ષના વલણને કારણે કોન્ઝર્વેટીવ પક્ષને મત આપી વિજેતા બનાવી હતી. તેમણે લેબર પક્ષ પર ભારતીય-હિંદુ મતને નદરઅંદાજ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
એક વરિષ્ઠ લેબર ઇન્સાઇડરે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “કેટલીક બાબતો લેબર પાર્ટીએ અને કન્ઝર્વેટિવ પાર્ટીએ કામ કરવાની જરૂર છે. એવી કેટલીક બાબતો છે જે હિન્દુ અને મુસ્લિમ સમુદાયે કરવાની જરૂર છે, કારણ કે તેના મૂળમાં જાતિવાદી, વિભાજનકારી રાજકારણ છે. લેબર પક્ષ મુસ્લિમ મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા તેના સંસદસભ્યોને મૂળભૂત રીતે એવા મુદ્દાઓ ઉશ્કેરવાની મંજૂરી આપવા માટે દોષિત છે. તેઓ જાણે છે કે કાશ્મીર જેવા મુદ્દા સમુદાયો માટે ફ્લેશ પોઇન્ટ છે. ટોરીઝ બીજી દિશામાં બરાબર એમ જ કરી રહ્યા છે. તેઓ ઇસ્લામિક વિરોધી, હિંદુ તરફી, પક્ષ હોવાનું ચિત્ર દોરે છે. આ બધુ રોકવું પડશે.”
ગયા ગુરુવારની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર માટે મિશ્ર પરિણામો જોવા મળ્યા. લંડનમાં, લેબર પાર્ટીએ વેસ્ટમિન્સ્ટર અને વૉન્ડ્ઝવર્થની ટોરી ફ્લેગશિપ કાઉન્સિલો જીતી લીધી હતી પરંતુ તેણે હેરો અને ક્રોયડન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું.
એક લેબર સૂત્રએ જણાવ્યું હતું કે, “ઘણા ગુજરાતી હિંદુ મતદારોને સ્પષ્ટપણે ખાતરી નથી કે લેબર પાર્ટી કોર્બીન યુગથી પૂરતી આગળ વધી છે.”
1960ના દાયકામાં વેસ્ટમિન્સ્ટરની રચના થઈ ત્યારથી તે હંમેશા કન્ઝર્વેટિવ રહી છે, જ્યારે વૉન્ડ્ઝવર્થને ભૂતપૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચરની પ્રિય કાઉન્સિલ તરીકે વર્ણવવામાં આવે છે.
હિંદુઓની મોટી સંખ્યા છે ત્યાં હેરોમાં લેબરે આઠ બેઠકો ગુમાવી હતી જ્યારે કન્ઝર્વેટિવે સમાન બેઠકો મેળવી. આમ ટોરીઝે 2006 બાદ કાઉન્સિલ પર નિયંત્રણ મેળવ્યું હતું.
લેબર પક્ષના લંડનના મેયર સાદિક ખાને ગરવી ગુજરાત સાથેના એક્સક્લુઝીવ ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે “આપણે દરેક વ્યક્તિ સાથે આદરપૂર્વક અને કામ કરવાનું છે, પછી ભલે તમારો ધર્મ કે તમારી પૃષ્ઠભૂમિ કોઈ પણ હોય. અમે એક બીજા સામે રમી શકતા નથી. લંડનના મેયર તરીકે હું દરેક સાથે કામ કરવાનો પ્રયાસ કરું છું. તેથી, મારા બધા સમુદાયો સાથે ખરેખર સારા સંબંધો છે, પછી ભલે તે હિન્દુ, શીખ, મુસ્લિમ, યહૂદી, ખ્રિસ્તી હોય કે સંગઠિત ધર્મના સભ્યો હોય. રાજનીતિ કરવાની આ રીત છે. હું સાંપ્રદાયિકતામાં માનતો વ્યક્તિ નથી. પછી ભલે તે ધાર્મિક હોય કે અન્ય બાબત પર આધારિત હોય.’’
“હું પુલ બનાવનાર છું. આપણામાંથી કોઈએ ક્યારેય કોઈના મતને નજર અંદાજ કરવો ન જોઇએ. કેર સ્ટાર્મરના વડપણ હેઠળ, પાર્ટીએ ધાર્મિક લાઇન પર કદી વિભાજન કરવાનો પ્રયાસ કર્યો નથી. મેં તે વર્તમાન શાસનમાં જોયું નથી. હું જાણું છું કે જેરેમી કોર્બીન વખતે ચિંતાઓ હતી, પરંતુ કેરને વિવિધ ધર્મો માટે આદર છે, તેઓ બધા સાથે મળીને કામ કરવામાં એકદમ સ્પષ્ટ છે. સાંભળો, તમે જે હિંદુઓની વાત કરો છો તેઓ બ્રિટિશ છે ને? તેથી, મને લાગે છે કે ગૌરવપૂર્ણ બ્રિટીશ, ગૌરવપૂર્ણ લંડનવાસી, હિંદુ આસ્થા ધરાવતા અને ભારતીય મૂળના હોવાનો ગર્વ કરવો શક્ય છે અને તે લેબરને મત આપવા સાથે સુસંગત હશે.”
કન્ઝર્વેટિવ્સનું કહેવું છે કે લેબરમાંથી ભારતીય-હિંદુ વોટનું તેમના તરફના પરિવર્તનનું આયોજન અને વિતરણ વર્ષોથી થયું છે. એમપી બોબ બ્લેકમેન 2010માં ટોરીઝ માટે હેરો ઈસ્ટ બેઠક જીત્યા હતા. ઓલ પાર્ટી પાર્લામેન્ટરી બ્રિટીશ હિન્દુ ગૃપ અને ઈન્ડો-બ્રિટિશ ગૃપના કો-ચેર હોવાનો તેમને ખૂબ જ ગર્વ છે. તો, હિંદુઓ શા માટે તેમની પાર્ટીને મત આપે છે?
એમપી બોબ બ્લેકમેને ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “તે પરિબળોનું સંયોજન છે. પ્રથમ, તે કન્ઝર્વેટિવ ઉમેદવારોની સખત મહેનત છે જેની આખી ટીમે માત્ર ચૂંટણીના સમયગાળામાં જ નહીં, પરંતુ લાંબા સમય સુધી કરી હતી. તમારે એ સમજવાની જરૂર છે કે મેં 2010માં લેબર પાસેથી હેરો ઈસ્ટ જીતી હતી અને ત્યારથી મેં તેને જાળવી રાખી છે. અમે દર અઠવાડિયે કામ કરીએ છીએ. ઘરોના દરવાજા ખખડાવીએ છીએ, લોકો સાથે વાત કરીએ છીએ, તેમની ચિંતાઓ શું છે તે શોધીએ છીએ. હવે અમારી પાસે હેરો ઈસ્ટમાં કન્ઝર્વેટિવ તરીકે 23માંથી 20 બેઠકો છે અને તેમાંથી 12 હિંદુ સમુદાયની છે.’’
બોબે જણાવ્યું હતું કે “તે દર્શાવે છે કે અમે સ્થાનિક સ્તરે, પણ વ્યાપક, વૈવિધ્યસભર સ્તરે લોકો સાથે જોડાવામાં સફળતા મેળવી છે, દેખીતી રીતે, તમામ સમુદાયોના લોકો અમારી સાથે પ્રચાર કરતા મળ્યા છે. હું 30 વર્ષથી સમુદાય સાથે કામ કરી રહ્યો છું, તેથી તે મારા માટે કંઈ નવું નથી. વિશ્વાસનું નિર્માણ કરવાનું છે. જનતા એવા લોકો પર વિશ્વાસ કરે છે જેઓ માત્ર ચૂંટણી સમયે જ તેમની સાથે વાત કરતા નથી, પરંતુ વાસ્તવમાં સમુદાય સાથે વ્યાપક સ્તરે સામેલ થાય છે.”
પરંતુ હેરોમાં રહેતા અન્ય લેબર સભ્યો તેને બીજી રીતે જુએ છે. લંડન એસેમ્બલીના ભૂતપૂર્વ અધ્યક્ષ નવીન શાહે કન્ઝર્વેટિવ્સ પર વિભાજનકારી હોવાનો આરોપ મૂકતા કહ્યું હતું કે “આ ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ છે. હેરોમાં ટોરીઝે તદ્દન ખોટી રીતે લેબર પાર્ટી વિરુદ્ધ નફરત ફેલાવી છે. લેબર પાર્ટીના અમારા જેવા ગૌરવપૂર્ણ સભ્યો જાણે છે કે કાશ્મીરનો અર્થ શું છે, તે કેટલું મહત્વનું છે. પરંતુ તેમણે જે પ્રકારની નફરત અને વિભાજન બનાવ્યું છે તે ધિક્કારપાત્ર છે. તેમણે બનાવેલા આવા વિભાજનને હું સંપૂર્ણપણે નકારું છું અને નિંદા કરું છું. બરોમાં અસ્તિત્વમાં રહેલા વિવિધ સમુદાયો માટે કામ કરવા 40 વર્ષ ગાળ્યા છે. તે તિરાડોને સાંધવા માટે હતા નહિં કે ઉભી કરવા. ટોરીઝ કાશ્મીર અને સંવેદનશીલતા વિશે કેટલું જાણે છે? શું તેઓ ભારત કે પાકિસ્તાન સરકાર કરતાં વધુ જાણે છે? હા, ત્યાં માનવ અધિકાર ભંગ છે, જે છે, ચાલો તે જોઈએ, પરંતુ આ વિભાજનકારી પ્રચાર ન કરો. આ એ જ જૂની સંસ્થાનવાદી બ્રિટિશ ભાગલા પાડો અને રાજ કરો વાળી નીતિ છે જે તેઓ બતાવી રહ્યા છે. કેર સ્ટાર્મર હેઠળ, લેબરે સફળતાપૂર્વક, યહૂદી વિરોધી મુદ્દાઓ અંગે વ્યવહાર કર્યો છે જેને તમે બાર્નેટના પરિણામો પરથી જોઈ શકો છો.’’
શ્રી શાહે જણાવ્યું હતું કે ‘’અમે સખત મહેનત કરી રહ્યા છીએ, અને અમે ભારતીય સમુદાયનું આ સન્માન અને વિશ્વાસ મેળવવા માટે વધુ સખત મહેનત કરીશું. પરંતુ લેબર પાર્ટી પર ભારત વિરોધી હોવાનો આરોપ મૂકવો એ સંપૂર્ણ બકવાસ છે.”
2019માં છેલ્લી સામાન્ય ચૂંટણી દરમિયાન, ગરવી ગુજરાતે વોટ્સએપ ગૃપો પર ભારતીયોના સંદેશાઓ જોયા હતા જેમાં કહેવાયું હતું કે કાશ્મીર પર લેબર પક્ષના વલણને કારણે “સાચા હિંદુઓ લેબરને મત આપશે નહીં”.
વરિષ્ઠ લેબર ઇનસાઇડરે કહ્યું હતું કે “તે એકદમ અધમ છે, અને તેઓ નફરતને ઉશ્કેરવા માટે રમે છે. તે મુસ્લિમ સમુદાયનું હિંસક આતંકવાદીઓ તરીકે ચિત્રણ કરે છે, અને પછી કન્ઝર્વેટિવ પાર્ટીને તેમની સામે એકમાત્ર બળ તરીકે ચિત્રિત કરે છે. કોઈ એક રાજકીય પક્ષ શું કરી શકે તે બાબત નથી, કારણ કે આ દેશમાં ઇસ્લામિક અને હિંદુ સમુદાય બંનેના નેતાઓ દ્વારા નેતૃત્વ કરવામાં આવે છે. તેઓ એકબીજા સામે નફરત ફેલાવી રહ્યા છે. તેઓ ભારતીય ઉપખંડની રાજનીતિને યુકેમાં આયાત કરી રહ્યાં છે. તેઓ જાણી જોઈને કરી રહ્યાં છે, જેથી તેઓ રાજકીય પ્રાધાન્ય મેળવી શકે.”
તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે એક એશિયન સમુદાયને બીજા સામે મૂકવો તે માત્ર લેબર અને ટોરી પૂરતુ મર્યાદિત નથી.
અમારા સ્ત્રોતે જણાવ્યું હતું કે, ‘’રાષ્ટ્રીય સ્તરે શું થઈ રહ્યું છે તેનું સૂક્ષ્મ રૂપ હેરો છે. મને લાગે છે કે આ હેરો જીતનાર ટોરીઝ કે અમે બર્નલી અથવા બોલ્ટન અથવા રેડ વૉલની સીટો પાછી ખેંચી લેવાનો મુદ્દો નથી. તેનાથી આગળ જતું એક વરવું, એક પ્રકારનું નાનું, સ્થાનિક રાજકારણ છે. આ દેશમાં આપણે જે પ્રકારનું રાજકારણ કરવા માંગીએ છીએ તે વિશે છે. શું આપણે આપણી રાજનીતિને નફરતથી ચેપી કરવા માંગીએ છીએ? આપણે ખરેખર સાથે મળીને એક એવી રાજનીતિ બનાવવાની જરૂર છે જ્યાં આવું ન થઈ શકે. જો કોઈ રાજકારણી કોઈ ચોક્કસ વંશીય જૂથનું સમર્થન મેળવીને લાભની સંભાવના જુએ છે, તો તે વંશીય જૂથને અપીલ કરવી તે એક બાબત છે. પરંતુ કોઈ બીજાને બદનામ કરીને આમ કરવું એ બીજી બાબત છે.”
હેરોના ચૂંટણી પરિણામો
પક્ષ | બેઠક | મત |
કોન્ઝર્વેટીવ્સ | 31 | 47% |
લેબર | 24 | 41% |
લિબ ડેમ | 0 | 6% |
ગ્રીન | 0 | 3% |
અપક્ષ | 0 | 2% |
રિફોર્મ યુકે | 0 | 1% |
ઇન્ડીપેન્ડન્ટ નેટવર્ક | 0 | 1% |
મતદાનઃ 38% |
હેરોમાં ચૂંટાયેલા એશિયન ઉમેદવારો
વોર્ડ | નામ | પક્ષ |
બેલમોન્ટ | મીના પરમાર | કોન્ઝર્વેટીવ |
બેલમોન્ટ | અંજના પટેલ | કોન્ઝર્વેટીવ |
કેનન્સ | અમીત જોગીયા | કોન્ઝર્વેટીવ |
સેન્ટેનરી | ગોવિંદ ભરાડિયા | કોન્ઝર્વેટીવ |
સેન્ટેનરી | સલીમ ચૌધરી | કોન્ઝર્વેટીવ |
એજવેર | નીતિન પારેખ | લેબર |
એજવેર | યોગેશ તેલી | કોન્ઝર્વેટીવ |
ગ્રીનહિલ | અનિકા નવીન શાહ-લેવી | લેબર |
હેરો વીલ્ડ | રામજી કાનજી ચૌહાણ | કોન્ઝર્વેટીવ |
હેરો વીલ્ડ | પ્રિતેશ પટેલ | કોન્ઝર્વેટીવ |
હેડસ્ટોન | સસી સુરેશ | લેબર |
કેન્ટન ઇસ્ટ | ચેતના હાલાઈ | કોન્ઝર્વેટીવ |
કેન્ટન ઇસ્ટ | નિતેશ હિરાણી | કોન્ઝર્વેટીવ |
કેન્ટન ઇસ્ટ | સમીર સુમરિયા | કોન્ઝર્વેટીવ |
કેન્ટન વેસ્ટ | વિપિન મીઠાણી | કોન્ઝર્વેટીવ |
કેન્ટન વેસ્ટ | કાંતિ રાબડિયા | કોન્ઝર્વેટીવ |
માર્લબોરો | વર્ષા પરમાર | લેબર |
પિનર | કુહા કુમારન | કોન્ઝર્વેટીવ |
પિનર સાઉથ | હિતેશ કારિયા | કોન્ઝર્વેટીવ |
રેનર્સ લેન | થાયા ઈદાયક્કદાર | કોન્ઝર્વેટીવ |
રેનર્સ લેન | કૃષ્ણા સુરેશ | લેબર |
રોક્સેથ | પેયમાના અસદ | લેબર |
રોક્સેથ | રશ્મિ સુરંગા કાલુ | લેબર |
વિલ્ડસ્ટોન નોર્થ | શહાનિયા ચૌધરી | લેબર |
વેસ્ટ હેરો | આસિફ હુસૈન | લેબર |
વેસ્ટ હેરો | રેખા શાહ | લેબર |