- લોર્ડ ડોલર પોપટ અને કાઉન્સિલર અમીત જોગીયા દ્વારા
લંડન અને સમગ્ર દેશમાં કન્ઝર્વેટિવ્સે કેટલીક ફ્લેગશિપ કાઉન્સિલ ગુમાવી તે અમુક અંશે નિરાશાજનક છે પણ હેરો કાઉન્સિલમાં કોઝર્વેટીવે વિજય મેળવીને તે વલણને અટકાવ્યું છે અને ટોરી માટે પ્રકાશના કિરણો હજૂ પણ છે તે દર્શાવ્યું છે. હેરો સમગ્ર દેશમાં એકમાત્ર કાઉન્સિલ બની છે જેને કન્ઝર્વેટિવ્સે લેબર પાસેથી મેળવી છે. કન્ઝર્વેટિવ્સ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કેમ કે તેણે વોન્ડ્સવર્થ, વેસ્ટમિન્સ્ટર અને બાર્નેટ કાઉન્સિલ ગુમાવીને પોલસ્ટર્સને અચંબિત કરી મૂક્યા છે.
આ પરિણામ અમસ્તુ જ નથી મળ્યું અને અમારા માટે તે આશ્ચર્યજનક પણ ન હતું. કેમ કે દેશમાં સૌથી વધુ બ્રિટિશ ભારતીય વસ્તી ધરાવતા આ વિસ્તારે કન્ઝર્વેટિવને મત આપ્યો છે. બ્રિટિશ ભારતીયોની 29 ટકા વસ્તી સાથે, હેરોમાં મળેલો વિજય કન્ઝર્વેટીવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના જબરદસ્ત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. હેરોમાં બ્રિટિશ ભારતીય મતો 2019ની સામાન્ય ચૂંટણીમાં પણ મહત્ત્વપૂર્ણ રહ્યા છે. તે વખતે સ્થાનિક કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને લંડનમાં સૌથી વધુ બહુમતી મેળવી હતી. તો ગયા વર્ષની લંડનના મેયરની ચૂંટણીમાં, કન્ઝર્વેટિવ ઉમેદવાર શૉન બેઈલીએ પણ હેરોમાંથી સૌથી વધુ કન્ઝર્વેટિવ વોટ શેર મેળવ્યો હતો.
દાયકાઓથી લેબરની મજબૂત પકડ ધરાવતા બ્રેન્ટમાં પણ સૌથી વધુ બ્રિટિશ ભારતીય વસ્તી ધરાવતા વોર્ડમાં કન્ઝર્વેટિવ કાઉન્સિલરો ચૂંટાયા છે. બ્રેન્ટમાં પણ લેબરે સમર્થનના અભાવે લિબરલ ડેમોક્રેટ્સ સામે બ્રિટિશ ભારતીય ગઢ વાળા વિસ્તારોમાં વોર્ડ ગુમાવ્યા હતા.
વિરોધીઓ કદાચ બ્રિટિશ ભારતીય મતના જતનને નફરત પેદા કરવા અથવા વિભાજનના કારણ તરીકે ટીકા કરશે. પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટી એ 1.7 મિલિયન મજબૂત બ્રિટિશ ભારતીય સમુદાય સાથે જોડાઇને કોન્ઝર્વેટીવ જ સાચું અને એકમાત્ર કુદરતી ઘર છે તે સાબિત કરવા માટે કરેલી વર્ષોની મહેનતનું પરિણામ છે.
કન્ઝર્વેટિવ પાર્ટી અને તેના મૂલ્યો આપણા પરિવારો અને દેશ માટે ખરેખર શ્રેષ્ઠ છે. 2015ની ચૂંટણીમાં, 49 ટકા બ્રિટિશ ભારતીયોએ કન્ઝર્વેટિવને મત આપ્યો હતો. જે 2005માં અમને મળેલા મતની સરખામણીએ 11 ટકા વધારે હતા. આ વલણ 2019માં પણ ચાલુ રહ્યું હતું. લેબરના વધતા જતા ભારત વિરોધી વલણના કારણે બ્રિટિશ ભારતીયોનું સમર્થન કન્ઝર્વેટિવ માટે નોંધપાત્ર રીતે વધ્યું હતું.
આ વિજય બ્રિટિશ ભારતીય સમુદાય સાથે ઘણા કન્ઝર્વેટીવ કાર્યકરો દ્વારા ચલાવવામાં આવેલ દાયકાઓની સખત મહેનત અને વ્યૂહરચનાનું પરિણામ છે.
વડા પ્રધાન, બોરિસ જૉન્સન બ્રિટિશ ભારતીય સમુદાય અને ભારત સાથે જોડાવામાં અને તેમના સમર્થનમાં અમૂલ્ય રહ્યા છે. તેમની તાજેતરની ભારત યાત્રા સમુદાયમાં એક મોટી સફળતા હતી. બોરિસ ગુજરાતની મુલાકાત લેનારા પ્રથમ કન્ઝર્વેટિવ વડા પ્રધાન હતા જે યાત્રાએ કાઉન્સિલની ચૂંટણીના પરિણામોને ચોક્કસપણે પ્રભાવિત કર્યા હતા અને હેરોના મુખ્યત્વે ગુજરાતી મૂળના હજારો રહેવાસીઓએ પડઘો પાડ્યો હતો.
ભારતીયો સાથેનું અમારૂ જોડાણ બ્રિટિશ ભારતીયો – ઋષિ સુનક, પ્રીતિ પટેલ, આલોક શર્મા અને સુએલા બ્રેવરમેનના સ્વરૂપે ટોચના ટેબલ પર પણ નજરે પડે છે. આ એક અવિશ્વસનીય સિદ્ધિ છે અને ઘણા કોન્ઝર્વેટીવ્સ માટે એક સ્વપ્ન સાકાર થયુ છે. આ વિવિધતા અને ઇન્ક્લુસિવનેસે પાર્ટી બ્રિટિશ ભારતીય સમુદાય માટે ઘર છે તે દર્શાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
બ્રિટિશ ભારતીય સમુદાય અને કન્ઝર્વેટિવ્સ સખત મહેનત, કુટુંબ, સાહસ, શિક્ષણ જેવા સહિયારા મૂલ્યો ધરાવે છે. જે આપણને એક સાથે જોડે છે. આર્થિક સક્ષમતા ફક્ત કન્ઝર્વેટિવ્સ જ આપી શકે છે, જે આકાંક્ષાને પ્રોત્સાહન આપે છે અને લોકોનું શ્રેષ્ઠ બનવા સશક્તિકરણ કરે છે. અમે ઓછા કર માટે, NHSને સારૂ ભંડોળ આપવા, ઇમિગ્રેશન સિસ્ટમને ન્યાયી અને નિયંત્રિત રાખવા, જાહેર સેવાઓમાં રોકાણ માટે પાર્ટી પ્રતિબધ્ધ છે. તાજેતરની ચૂંટણીઓ એ હકીકતને બતાવે છે કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય સ્તરે, માત્ર કન્ઝર્વેટિવ જ બ્રિટિશ ભારતીય સમુદાયની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને પૂરી કરી શકે છે.
આ વલણ આગામી સામાન્ય ચૂંટણીના ભાગરૂપે મહત્ત્વપૂર્ણ રહેશે. પરંતુ આ અંત નથી. તે બ્રિટિશ ભારતીય મતોનું જતન કરવાની લાંબા ગાળાની સફરનો એક ભાગ છે – એક એવો મત કે જેને કમાઇને આદર આપવો જોઈએ અને તેને ક્યારેય નજરઅંદાજ કરવો ન જોઇએ. હાલ માટે, હેરો બ્રિટિશ ભારતીય મતની શક્તિને પ્રતિબિંબિત કરતી પાર્ટી માટે આશાનું કિરણ છે.
હેરોના રહેવાસીઓ લોર્ડ પોપટ અને કાઉન્સિલર જોગિયાએ પોતાની રાજકીય કારકિર્દી કન્ઝર્વેટિવ પાર્ટી અને બ્રિટિશ ભારતીય સમુદાય વચ્ચેના અંતરને દૂર કરવા માટે ખર્ચી છે. લોર્ડ પોપટે 2012 માં ડેવિડ કેમેરોન સાથે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી હતી, જેનું હાલમાં કો-ચેર, અમીત જોગિયા અને રીના રેન્જર દ્વારા સંચાલન કરાય છે.