12 વર્ષ પછી હેરોમાં લેબરને પછાડીને સત્તા હાંસલ કરનાર કોન્ઝર્વેટીવ પાર્ટીએ એવું તો શું કર્યું કે લેબરનો ગઢ ગણાતા આખા લંડનમાં તે ક્રોયડન સાથે લેબરને હટાવનારી પાર્ટી બની ગઇ હતી. અમે કેટલાક કાઉન્સિલર, સામાજીક કાર્યકરો અને મતદાતાઓનો પ્રતિભાવ જાણ્યો હતો. કમનસીબે જેમનો પણ સંપર્ક કર્યો હતો તેઓ લેબરની કામગીરીથી થોડે ઘણે અંશે નારાજ હોય તેમ જણાયું હતું.
અંજનાબેન પટેલ બેલમોન્ટ વોર્ડ, હેરો
અંજનાબેન પટેલે જણાવ્યું હતું કે ‘’આ જીત પાછળ છેલ્લા 12 વર્ષ અમે વિપક્ષમાં બેસીને કરેલી મહેનત જવાબદાર છે. લેબરે તેમના શાસનમાં LTNનો અમલ કરી રોડ બ્લોક્સ કર્યા હતા. સાઇકલ લેન, સોશ્યલ ડિસ્ટન્સીંગ માટેના બેરિયર અને પાર્કિંગ સસ્પેન્શન કરીને બિઝનેસીસ અને રેસિડેન્ટ્સને પરેશાન કરી મૂક્યા હતા. અમારી પાર્ટી અને જનતાએ સાથે મળીને કેમ્પેઇન શરૂ કર્યું હતું અને લેબર પાર્ટીને તેમનો નિર્ણય પાછો લેવા મજબૂર કર્યા હતા. જનતાએ આ પ્રશ્નોને લીધે જીતમાં અમને સાથ આપ્યો છે.’’
લેબરે કાઉન્સિલ ટેક્સ વધાર્યો હતો. ફ્લાય ટીપીંગે હદ કરી હતી. ગંદકી વધી હતી. લોકો ફરિયાદ કરે તો કાઉન્સિલમાં કોઇ સાંભળતું ન હતું. હિન્દુઓ અને કોન્ઝર્વેટીવ્સના મુલ્યો સમાન હોવાથી ભારતીયો અને હિન્દુઓના વોટ પણ અમારી તરફ વળ્યા હતા. અમારૂ કામ બરોબર લાગતા લોકોએ અમને વોટ કર્યા હતા.’’
પૂ. રાજ રાજેશ્શવર ગુરૂજી, ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, હેરો
ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, હેરોના સ્થાપક અને સ્થાનિક હિન્દુ અગ્રણી શ્રી રાજ રાજેશ્શવર ગુરૂજીએ જણાવ્યું હતું કે ‘’લેબર પાર્ટીના સ્થાનિક લીડર ગ્રેહામ જે રીતે સ્થાનિક નેતાગીરી અને અધિકારીઓ પર કડક હાથે કામ લેવામાં નિષ્ફળ રહ્યા તેના કારણે તેઓ વહીવટ પરનો અંકુશ ખોઇ બેઠા હોય તેવો મત ઉભો થયો હતો. તેમાં બે મિલિયન પાઉન્ડનો ગોટાળો હોવાનું બહાર આવ્યું હતું. તેમણે જોઇતા પગલા લીધા ન હતા. લેબરે પણ કેટલાક સારા કામ કર્યા હતા પરંતુ કાઉન્સિલ ટેક્સ અને અન્ય વેરામાં વધારો જનતાને ગમ્યો ન હતો.’’
‘’નેશનલ લેવલે કેટલાક એમપીઓએ ભારત વિરોધી રજૂઆતો કરી હશે પરંતુ હેરોમાં કદી કોઇ નેતાએ હિન્દુ કે ભારતીય વિરોધી અભિગમ બતાવ્યો નથી, ઉલ્ટાનું મદદ કરી છે. જો કે લેબરને એન્ટી ઇન્ડિયનવાળી છબીના કારણે નુકશાન થયું તેવી વાતો મારી પાસે પણ આવી છે અને તેનાથી ફરક પડ્યો હશે. આવા સમયે નીતિન પારેખ જેવા લેબર નેતા તેમના બળે જીત્યા છે.’’
નરેશ સાવલિયા, સામાજીક કાર્યકર
કેન્ટન સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા સામાજીક કાર્યકર નરેશભાઇ સાવલીયા જણાવે છે કે ‘’જે નેતાઓ કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે તેઓ અમારા પ્રશ્નોને સમજે છે અને તે પ્રશ્નોને GLA, MP અને કાઉન્સિલ સુધી પહોંચાડી તેનો હલ લાવે છે. અમારા વિસ્તારમાં એમપી બોબ બ્લેકમેનનું કામ બહુ જ સારૂ છે. માત્ર હિન્દુ સમુદાય જ નહિં, ટેક્સપેયર, બિઝનેસીસ અને લોકલ ઇસ્યુ માટે તેમનું કામ સારૂ છે. તેઓ વ્યક્તિગત મુશ્કેલીઓને પણ ધ્યાનમાં લે છે. બોબ અને તેમની ટીમે ન્યાયીક રીતે પ્રચાર કર્યો છે અને સાચા અને જરૂરી ફેરફારો કરવા તેઓ હંમેશા તત્પર રહે છે. અમારા વિસ્તારમાં પણ પાર્લામેન્ટની ચૂંટણી વખતે સ્થાનિક કાઉન્સિલરે કાશ્મિરનો મુદ્દો ઉછાળી ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે કારણે લેબરનો ભારે વિરોધ થયો હતો. કોર્બીને તે વખતે ટેકો આપ્યો તે ખરાબ હતું.’’
ડૉ. હિરેન પટેલ, હેરો વ્યુ વેસ્ટ
ડૉ. હિરેન પટેલે જણાવ્યું હતું કે ‘’અમારા નવા હાઉસિંગ ડેવલપમેન્ટમાં 800 ઘરો છે. અમારે ત્યાં ચોરીઓ અને અન્ય પ્રશ્નો હતા. અમે લેબર કાઉન્સિલર્સને રજૂઆતો કરી હતી. પરંતુ તેઓ કદી જવાબ પણ આપતા ન હતા. છેલ્લા 10 વર્ષમાં મને કોઇ જ બદલાવ દેખાયો ન હતો. હું પહેલા જ્યાં રહેતો હતો તે રસ્કિન ગાર્ડન ખાતે રોડ બનાવવા અમે બહુ વિનંતીઓ કરી હતી પરંતુ 10 વર્ષમાં તેઓ મને જોવા પણ મળ્યા ન હતા. મને નથી લાગતું કે આ દેશમાં હિન્દુ કે દેશના ભાદભાવ કરતું હોય અને તે કરે તો પણ લોકો ગણકારે તેમ નથી. લેબરે કામ ન કર્યા તેથી લોકોનો ભરોસો ઉઠી ગયો હતો અને તેથી જ લોકોએ તેમને વોટ આપ્યા ન હતા.’’
સૂર્યકાન્ત જાદવા, સામાજીક અગ્રણી
સામાજીક અગ્રણી સૂર્યકાન્ત જાદવાએ જણાવ્યું હતું કે ‘’ઘણાં વર્ષેથી હું કેન્ટન ઇસ્ટમાં રહુ છું. પહેલાના કાઉન્સિલરને અમે ઘણી રજૂઆતો કરી હતી પરંતુ બમ્પ્સ મૂકવાની રજૂઆતનો કોઇ પ્રતિસાદ મળ્યો ન હતો. અમે કાઉન્સિલર નીતેશ હિરાણીનો સંપર્ક કરતા 6 માસમાં જ રોડ પર સ્પીડ લીમીટ અને બમ્પ્સ મૂકાઇ ગયા હતા. તેમણે ફ્લાય ટીપીંગ્સ અને સાફ સફાઇ માટે પણ ઘણું કામ કર્યું હતું. જાણે કે લેબર ફક્ત લોકોને પરેશાની થાય તેવા જ કાર્યો કરતી હતી. મારા ધ્યાનમાં એવી વાત પણ આવી હતી કે લેબર લોકોને ડરાવે છે કે કોન્ઝર્વેટીવ્સને મત આપશો તો તમારા બેનીફીટ્સ, બંધ કરાવી દેશે. જો કે આ વખતે ગુજરાતીઓમાં ટોરીઝ માટે સારો ઉત્સાહ હતો.’’
ભૂપેન્દ્ર બૂચ, નિવૃત્ત પોલીસ સ્ટાફ
શ્રી ભૂપેન્દ્ર બૂચે જણાવ્યું હતું કે ‘’લેબર પક્ષે વેરાઓ સહિત ઘણા ચાર્જીસ વઘાર્યા હતા. રોડ રસ્તાનું સફાઇકામ ખૂબ જ ખરાબ રહ્યું હતું તો પાર્કિંગની સમસ્યાઓ પણ વકરી ગઇ હતી. વારંવાર ફૂટપાથ રીપેરીંગના કામ જાણે કે વેસ્ટ ઓફ મની લાગતા હતા. મને તો આજ સુધી તેઓ હેરો વિલ્ડ સ્ટેશન પાસે શું કરવા માંગે છે તે જ ખબર પડતી નથી. લેબરની મુસ્લિમ તુષ્ટીકરણની નીતિએ લેબરની હારમાં ભાગ ભજવ્યો હોય તેમ મને લાગે છે. એમપી બોબ બ્લેકમેનની છબી જોઇને લોકોએ મત આપ્યા છે. લેબરના નવિનભાઇ શાહ જ્યારે GLA મેમ્બર હતા ત્યારે સારૂ કામ થતું હતું.’’