બ્રિટને ભારતમાં જન્મેલા હેલ્થકેર નિષ્ણાત હરજિન્દર કાંગને દક્ષિણ એશિયા માટે દેશના ટ્રેડ કમિશનર અને પશ્ચિમ ભારત માટેના ડેપ્યુટી હાઈકમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણુંક પહેલા કાંગ ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટેના બ્રિટનના મુખ્ય વિષ્ટિકાર હતાં.
નવી ભૂમિકામાં તેઓ ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને માલદીવમાં યુકે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડની કામગીરીની દેખરેખ રાખશે. પશ્ચિમ ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે તેઓ ગોવા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યોમાં બ્રિટિશ સરકારના હિતોનું પ્રતિનિધિત્વ કરશે.
કાંગે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ અને વોરવિક બિઝનેસ સ્કૂલ અભ્યાસ કર્યો હતો. સરકારમાં જોડાતા પહેલા, તેમણે ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકામાં 27 વર્ષ વિતાવ્યા હતાં. તેઓ કંપનીમાં કેમિસ્ટ તરીકે જોડાયાં હતાં અને તેના ગ્લોબલ કોમર્શિયલ ડાયરેક્ટર બન્યાં હતા. તેઓ કાઉન્સિલ ઓફ યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના સભ્ય પણ છે. તેમનો જન્મ ઉત્તર ભારતના શહેર જલંધરમાં થયો હતો. તેઓ ત્રણ વર્ષના હતાં ત્યારે તેમનાં માતા-પિતા સાથે યુકે આવ્યાં હતાં. કાંગ પરિણીત છે અને તેમને ત્રણ બાળકો છે.
યુકેના બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી કેમી બેડેનોચે જણાવ્યું હતું કે “આ ભૂમિકા માટે હરજિન્દરનું સ્વાગત કરતાં આનંદ થાય છે. તેઓ અમારી ભારત વેપાર ડીલ ટીમનો અભિન્ન હિસ્સો રહ્યાં છે.” ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે કાંગ એલન જેમેલનું સ્થાન લેશે.
કાંગે કહ્યું હતું કે “સાઉથ એશિયા માટે ટ્રેડ કમિશનર અને વેસ્ટર્ન ઈન્ડિયા માટે ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે નિમણૂક સન્માનની બાબત છે, બંને પ્રદેશો વાઈબ્રન્ટ અને વિકસતા પ્રદેશો છે, જે યુકેની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ છે.” બ્રિટિશ સરકારના જણાવ્યા અનુસાર મુજબ હરજિન્દર કાંગ FTAના અમલીકરણને સમર્થન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. જાન્યુઆરી 2022 FTA માટે વાટાઘાટો શરૂ થઈ ત્યારથી ભારત અને યુકેએ નવ રાઉન્ડની ચર્ચાવિચારણા કરી છે.