અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટમાં બંને પગ ગુમાવનાર હરિ બુધા મગર નામના ભૂતપૂર્વ ગુરખા સૈનિકે “નો લેગ, નો લિમીટ”ના સૂત્ર સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરીને પ્રથમ ડબલ અમ્પ્યુટી બનીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
કેન્ટરબરી, કેન્ટમાં રહેતા 43 વર્ષના બુધા મગરે આ અદ્ભુત પરાક્રમ શુક્રવાર તા. 19ના રોજ લગભગ 3 વાગ્યે સફળતાપૂર્વક 29,000 ફીટ ઉંચા એવરેસ્ટના શિખર પર પોતાના પગલા પાડ્યા હતા.
પડકારજનક પ્રવાસને મુશ્કેલ કાર્ય જણાવનાર હરિએ શિખર પર પહોંચ્યા પછી આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમે આ કર્યું છે તે અઘરું હતું. મારી કલ્પના કરતા વધુ મુશ્કેલ હતું. અમારે ફક્ત ટોચ પર પહોંચવા દબાણ કરવું પડ્યું હતું, પછી ભલેને નુકસાન થાય કે સમય લાગે. જો હું વિશ્વની ટોચ પર ચઢી શકતો હોઉં તો કોઈપણ વ્યક્તિ, તેની વિકલાંગતાને ધ્યાનમાં લીધા વિના, તેમનું સ્વપ્ન સાકાર કરી શકશે. તમારા સપના ગમે તેટલા મોટા હોય, તમારી વિકલાંગતા ગમે તેટલી પડકારજનક હોય, યોગ્ય માનસિકતા ધરાવો તો કંઈપણ શક્ય બને છે. મારા અદ્ભુત કુટુંબ અને દરેક વ્યક્તિના વિચારોએ મને પર્વત પર પહોંચવામાં મદદ કરી હતી. આટલા બધા લોકોના સમર્થન વિના આ અભિયાન શક્ય બન્યું ન હોત.
બુધા મગર અને તેમની ટીમે ચઢાણ માટે સાધનોના અનોખા સેટનો ઉપયોગ કર્યો હતો, જેમાં હિમ ડંખથી બચવા માટે બિલ્ટ-ઇન હીટિંગ સાથે કસ્ટમ-મેઇડ પ્રોસ્થેટિક્સનો સમાવેશ થાય છે. તેમણે , વિવિધ ભૂપ્રદેશો માટે બદલી શકાય તેવા પગ અને વધારાના-જાડા ગ્લોવ્સ વાપર્યા હતા. જેથી તેઓ હાથનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરી શકે.
બન્ને પગ કાપી નાંખવામાં આવ્યા હોવાના કારણે તેમની ચાલવાની ગતિ પેંગ્વિન જેવી છે, જેને કારણે તેમને સામાન્ય લોકો કરતાં લગભગ 30% વધુ ઊર્જાની જરૂર પડી હતી.
તેમણે HST એડવેન્ચર્સના તેમના અભિયાન લીડર, ભૂતપૂર્વ ગુરખા અને SAS માઉન્ટેઇન લીડર ક્રિશ થાપાને શ્રેય આપ્યો હતો. બુધા મગર અગાઉ ટાન્ઝાનિયામાં કિલીમંજારો, યુરોપમાં મોન્ટ બ્લેન્ક અને નેપાળમાં મેરા પીક સર કરી ચૂક્યા છે.
નેપાળે સુરક્ષાના કારણોસર શરૂઆતમાં સોલો ક્લાઇમ્બર્સ, અંધ વ્યક્તિઓ અને ડબલ એમ્પ્યુટીઝ પર પ્રતિબંધ લાદ્યો હતો. જેને બુધા મગરે અન્ય વિકલાંગ એથ્લેટ્સ સાથે મળીને નેપાળની સુપ્રીમ કોર્ટમાં સફળતાપૂર્વક પડકાર્યો હતો.
2010માં, બુધા મગર અન્ય નવ લોકો સાથે અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટ થતા તેમણે બન્ને પગ ગુમાવ્યા હતા.
બુધા મગરને તેમની વિપુલ પડકારોને પાર કરવાની હિંમત, મુશ્કેલ સંજોગો અને પ્રતિકૂળતાનો સામનો કરીને અસાધારણ સિદ્ધિઓ દર્શાવવા બદલ ગત માર્ચમાં પ્રતિષ્ઠિત GG2 અચીવમેન્ટ થ્રુ એડવર્સિટી એવોર્ડ 2023 એનાયત કરાયો હતો.