ગુજરાતમાં ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી તાજેતરમાં રાજીનામું આપનાર હાર્દિક પટેલ આખરે ગુરુવાર, 2 જૂને ભાજપમાં જોડાઈ ગયો છે. ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી એક ખાસ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે હાર્દિકને કસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલએ હાર્દિકને કેસરી ટોપી રહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. જોકે આ કાર્યક્રમમાં ભાજપના કોઇ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં ન હતા.
હાર્દિકે ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલના સૂર બદલાયા હતા અને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તથા ગુજરાત ભાજપના કામની પ્રશંસા કરી હતી. પોતે કોંગ્રેસમાં હોવા છતાં 370, NRC જેવા મુદ્દાઓનું સમર્થન કર્યું હોવાનું જણાવ્યું છે.ભાજપમાં જોડાયા બાદ હાર્દિકે પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટીના કાર્યોની પ્રશંસા કરી અને પોતાની વાત 2015ના પાટીદાર અનામત આંદોલનથી શરૂ કરીને કહ્યું હતું કે, અનામત આંદોલન દરમિયાન અનેક ચઢાવ ઉતાર પણ જોયા હતા. આ ચઢાવ-ઉતારના ચાર વર્ષના સમયગાળામાં 2019ના જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ EBC અનામતનો કાયદો પસાર કરીને માત્ર ગુજરાતના અન્ય સવર્ણ વર્ગમાં આવતા લોકોને 10 ટકા આર્થિક અનામતનો લાભ આપ્યો હતો. હાર્દિકે પટેલે જણાવ્યું હતું કે જનહિતની ભાવના સાથે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો અને કોંગ્રેસની ભાવના અને જનતાની વિરુદ્ધના કામથી દુઃખી થવું પડ્યું હતું.
28 વર્ષના હાર્દિકે પોતાના કોંગ્રેસમાં જોડાવાના ભૂતકાળનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હું કોંગ્રેસનો હોદ્દેદાર હતો ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 370ની કલમ દૂર કરવાની વાત, રામ મંદિર બનાવવા માટેનો મક્કમ નિર્ણય, GST, NRC જેવા મુદ્દા પર સમર્થન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ આ તમામ નેતાઓ રાષ્ટ્રના ભગીરથ માટે કામ કરે છે. આ ભગીરથ કાર્યમાં હું રામસેતુની ખિસકોલી બનીને કામ કરવાનો પ્રયાસ કરીશ.
સામાન્ય રીતે ભાજપમાં મોટા નેતા જોડાય ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં મોટા નેતાઓ હાજર રહીને અંતમાં સામાન્ય ચર્ચા વિચારણા કરતા હોય છે, પરંતુ અહીં હાર્દિકના ભાજપમાં જોડાયા બાદની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના મોટા નેતાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી હતી. જોકે, આ કાર્યક્રમમાં નીતિન પટેલની હાજરીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. કારણ કે ભૂતકાળમાં હાર્દિક પટેલ અને નીતિન પટેલે એકબીજાની સામે શબ્દબાણ છોડ્યાં હતા.
હાર્દિકે અન્ય પાર્ટીના નેતાઓને રાજીનામા આપીને ભાજપમાં આવવા માટે આમંત્રણ આપતા કહ્યું હતું કે, હું અન્ય પાર્ટીના નેતાઓને અને કાર્યકર્તાઓને કહું છું કે રાષ્ટ્રના આ ભગીરથ કાર્યમાં તમે પણ ત્યાંથી (વિરોધી પાર્ટી) રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ અને રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં ખભાથી ખભો મિલાવીને આગળ વધવાનું કામ કરો.
28 વર્ષના યુવા નેતાએ ભાજપમાં જોડાતા પહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનો સિપાહી બનીને કામ કરવાની ઇચ્છા દર્શાવતી હતી. હાર્દિકે પટેલે ભાજપમાં જોડાતા પહેલા SGVPમાં સાધુ સંતોના આશિર્વાદ લીધા હતા આ પછી રોડ-શો દ્વારા શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. હાર્દિક પટેલે ભાજપમાં જોડાતા પહેલા ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ પહોંચતી વખતે પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.
હાર્દિકે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીના કામની પ્રશંસા કરી અને મીડિયા સમક્ષ આવીને પણ જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં રામસેતુની ખિસકોલી બનીને આ સેવામાં સહયોગ આપવાનો પ્રયાસ કરીશું. હાર્દિકે જણાવ્યું હતું કોંગ્રેસ અને અન્ય પક્ષના નારાજ નેતાઓને ભાજપમાં લાવીશ અને કોંગ્રેસથી નારાજ MLA, જિલ્લા પ્રમુખો, નગરસેવોકો ભાજપમાં જોડાશે.
હાર્દિક પટેલના સ્વાગત માટે કમલમથી ગાંધીનગર તરફ અને અમદાવાદ તરફ જતા રોડ પર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. એક સમયે હાર્દિક સામે સરકારે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો જ્યારે આજે હાર્દિકના જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા તેમાં તેમને રાષ્ટ્રપ્રમી યુવા નેતા ગણાવવામાં આવ્યા હતા. એક અન્ય પોસ્ટરમાં હાર્દિકને યુવા હૃદય સમ્રાટ ગણાવ્યા હતા.