કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા પાટીદાર નેતા હાર્દિક પટેલ ગુરુવાર, બે જૂને રોજ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અગાઉ એવી અટકળો હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન હાર્દિક પટેલને ભાજપમાં સામેલ કરવામાં આવશે. જોકે હાર્દિક પટેલ કે ભાજપે આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે હાર્દિક ભાજપમાં જોડાશે ત્યારે કોઈ કેન્દ્રિય નેતા પણ હાજર રહી શકે છે. હાર્દિક પટેલ ભાજપના પ્રદેશ નેતાઓની હાજરીમાં કમલમ્ ખાતે ભાજપમાં જોડાશે. હાર્દિક પટેલે 18 મેએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હાર્દિકે સોનિયા ગાંધીને સંબોધીને લખેલું રાજીનામું પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સ પર શેર કર્યું હતું. રાજીનામું આપ્યા બાદ હાર્દિકે પોતે ભાજપમાં જોડાવાના છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું હજુ સુધી ટાળ્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ મોદી સરકારના સત્તાકાળમાં લેવાયેલા અલગ-અલગ નિર્ણયો તેમજ નીતિઓના વખાણ કરી રહ્યા છે તે જોતા તેમનું ભાજપમાં જોડાવાનું પહેલાથી જ નક્કી મનાતું હતું.
આ ઉપરાંત તાજેતરમાં પંજાબમાં એક લોકપ્રિય ગાયકની હત્યાના મામલે હાર્દિકે પટેલે પંજાબમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની પણ ટીકા કરી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીને હવે ખાસ સમય નથી રહ્યો ત્યારે હાર્દિક પટેલે પોતે ચૂંટણી લડશે તેવી પહેલાથી જ જાહેરાત કરી દીધી છે. તેમના પર હાલ રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે, આ સિવાય વિસનગર રાયોટિંગ કેસમાં તેમને નીચલી કોર્ટ સજા આપી ચૂકી છે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં તેના પર સ્ટે મેળવીને હાર્દિકે ચૂંટણી લડવાનો રસ્તો સાફ કરી દીધો છે.